રાજકોટ શહેરમાં ફરી એક વખત માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મવડી ચોકડી નજીક એક વૃદ્ધ કિશોરી સાથે શારીરિક અડપલા કરતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મામલો વધુ ગંભીર બન્યો હતો.
આ ઘટનાની જાણ થતા માલવિયા નગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી વૃદ્ધની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ઓળખ 82 વર્ષીય વિરમ બરાડીયા તરીકે કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વૃદ્ધ કિશોરીના પડોશમાં જ રહેતો હતો. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ પહેલા પણ આરોપી દ્વારા બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સમાજ માટે ચેતવણી સમાન છે કે બાળકોની સુરક્ષા માટે સૌએ મળીને સતર્ક રહેવાની જરૂર છે અને આવા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને જ ન્યાય મળી શકે.






