અફઘાનિસ્તાનના ઉત્તરી વિસ્તારમાં સોમવારે (૩ નવેમ્બર) વહેલી સવારે શક્તિશાળી ભૂકંપ આવતાં દેશમાં દહેશતનો માહોલ છવાઈ ગયો. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ હતી, જેનું કેન્દ્રબિંદુ મઝાર-એ-શરીફ નજીક ખોલમમાં 28 કિલોમીટર ઊંડાઈએ હતું. આ આંચકાથી ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.
ભયના કારણે ઘરો છોડીને ભાગ્યા લોકો
મઝાર-એ-શરીફમાં મધ્યરાત્રિએ લોકો ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. એક સ્થાનિક રહેવાસીએ CNNને જણાવ્યું કે તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો અને બાળકો ચીસો પાડતાં સીડીઓ પરથી નીચે ભાગ્યા હતા. AFPના સંવાદદાતાએ કાબુલમાં પણ આંચકો અનુભવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ પુષ્ટિ કરી કે આંચકો મઝાર-એ-શરીફ અને ખુલ્મ નજીક કેન્દ્રિત હતો.
ભૂકંપની ઘટનાઓ
ઉત્તરી અફઘાનિસ્તાનની સરહદે આવેલા તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશમાં ભૂકંપની ઘટનાઓ સામાન્ય છે. તાલિબાન સત્તામાં પાછા ફર્યા પછીના વર્ષોમાં અનેક મોટા આંચકા આવ્યા છે. 2023માં હેરાતમાં 1,500થી વધુ મોત, 63,000 ઘરો નાશ. 31 ઓગસ્ટ 2025માં પૂર્વ અફઘાનિસ્તાનમાં: 6.0 તીવ્રતા, 2,200થી વધુ મોત – તાજેતરનો સૌથી વિનાશક ભૂકંપ. બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી બ્રાયન બાપ્ટીના મતે, 1900થી ઉત્તરપૂર્વી અફઘાનિસ્તાનમાં 7થી વધુ તીવ્રતાના 12 ભૂકંપ નોંધાયા છે. સ્થાનિક અધિકારીઓ હાલ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.






