logo-img
6 Arrested For Creating Fake Website In The Name Of Somnath Trust And Committing Fraud

સોમનાથ ટ્રસ્ટના નામે ખોટી વેબસાઇટ બનાવી ફ્રોડ કરતા 6 ઝડપાયા : રૂ. 20 લાખ ખંખર્યાની ચર્ચા, આરોપીઓ કોલેજીયન નીકળ્યા

સોમનાથ ટ્રસ્ટના નામે ખોટી વેબસાઇટ બનાવી ફ્રોડ કરતા 6 ઝડપાયા
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 02:19 PM IST

સોમનાથ ટ્રસ્ટના નામે ખોટી વેબસાઇટ બનાવી યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરનાર ગેંગને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોમનાથ મંદિર સાથે જોડાયેલા અતિથિ ગૃહોના નામે નકલી વેબસાઇટો ઉભી કરી ઓનલાઈન બુકિંગ લઈને લોકો સાથે છેતરપિંડી આચરી હતી.

ખોટી વેબસાઇટ બનાવી ફ્રોડ

સોમનાથ મંદિર દ્વારા સંચાલિત સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ગૃહમાં સીધું બુકિંગ લેવામાં આવતું હતું. આરોપીઓએ ‘અગોડા’ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રીતે રજીસ્ટ્રેશન કરી પર્યટકોને ખોટી માહિતી આપી બુકિંગ કરાવતાં હતા. પરિણામે યાત્રાળુઓ સોમનાથ પહોંચતા તેમને રૂમ મળતા નહોતા અને હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ટ્રસ્ટ અને એક સ્થાનિક અરજદારે અરજી કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ ચાર જેટલી ફેક વેબસાઇટ બનાવી હતી અને છેલ્લા પાંચ મહિનાથી આ છેતરપિંડી ચલાવી રહ્યા હતા. કુલ 90 જેટલા યાત્રાળુઓ સાથે આશરે 20 લાખ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

6 સભ્યોની ગેંગ

સાયબર ક્રાઇમે રાજસ્થાનની એક ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓના નામ સચિન હરસાના, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંગ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ રાજસ્થાનના વતની અને કોલેજના યુવાનો હોવાનું જણાવાયું છે. તપાસમાં વધુ ખુલ્યું કે, આરોપીઓ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખોટા બુકિંગ અને બિલ તૈયાર કરતા હતા. સોમનાથ સિવાય કાશી વિશ્વનાથ મંદિર, વૃંદાવન સહિત અન્ય ધાર્મિક સ્થળો માટે પણ આવું જ કૌભાંડ આચરાતું હતું. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now