વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે કાર્યરત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુ.ર.નં. 09/2026 મુજબ નોંધાયેલા ₹3.16 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં અમદાવાદ અને વડોદરાથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
₹3.16 કરોડની છેતરપિંડી
ફરિયાદી સાથે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટથી સંપર્ક સાધી, બાદમાં વોટ્સએપ મારફતે વિશ્વાસમાં લઈ “CBOE” નામની નકલી ક્રિપ્ટો એપ ડાઉનલોડ કરાવી અંદાજે ₹3.16 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. મની ટ્રેલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ટીમે ઓપરેશન ચલાવી આરોપીઓ સુધી પહોંચી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સિંધુ ઉર્ફે સિનું (શાહપુર, અમદાવાદ), કપિલ ઉર્ફે લકી ચૌહાણ (શાહપુર, અમદાવાદ), જયગણેશ શિવજ્ઞાનમ પિલ્લઈ (વાસણા, વડોદરા), કુંજ કૃષ્ણેશકુમાર દવે (નડિયાદ) અને મનિષ લક્ષ્મણજી જાંગીડ (હાલ વડોદરા, મૂળ જોધપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આરોપીઓના મોબાઇલ ફોનમાંથી 26થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. સાયબરક્રાઇમ પોર્ટલ પર ચકાસણી કરતાં સમગ્ર દેશમાં 116થી વધુ સાયબર ગુનાઓ સાથે તેમનો સંબંધ સામે આવ્યો છે, જેમાં અંદાજે ₹82.67 કરોડની ઠગાઈ થયાનો ખુલાસો થયો છે.
116 થી વધુ સાયબર ક્રાઇમના ગુના નોંધાયેલા
આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા તેમની પાસેથી 26 થી વધુ બેંક એકાઉન્ટની વીગતો મળી આવી છે. જેને સાયબરક્રાઇમ પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં 116 થી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરી જેમાં અંદાજે રૂ. 82.67 કરોડની સાયબર ઠગાઇ આરોપીઓ દ્વારા આચરેલ છે. જેમાં
આંધ્રપ્રદેશ-5
આસામ-1
દિવ-દમણ-1
દિલ્લી-3
ગોવા-1
ગુજરાત-10
હરિયાણા-8,
કર્ણાંટક- 17
કેરલ-6
મહારાષ્ટ્ર-22
પંજાબ-5
તામિલનાડુ-2
તેલંગણા-8
બિહાર-1
ચંદીગઢ-1
ઝારખંડ-1
રાજસ્થાન-2
વેસ્ટબંગાળ-7
ઓડીસા-3
મધ્યપ્રદેશ-2
ઉત્તરપ્રદેશ-10 જેટલા સાયબર ફ્રોડના ગુનોઓ નોંધાયેલા છે.
મોડસ ઓપરેન્ડી
આરોપીઓ આર્થિક સંકટમાં રહેલા વેપારીઓના બેંક ખાતા ભાડે લઈ સાયબર ફ્રોડના નાણાં ફેરવતા હતા. તેઓ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ, લોન ફ્રોડ અને પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ જેવી રીતો અપનાવતા હતા. તપાસ દરમિયાન 8 મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે.
જનતા માટે અપીલ
અજાણ્યા ઇસમોને બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અથવા સીમકાર્ડ ભાડે આપશો નહીં. સોશિયલ મીડિયા પર ટૂંકા ગાળામાં વધારે નફાની લાલચ આપતી સ્કીમથી સાવચેત રહો. સાયબર ઠગાઈ બનતા જ “ગોલ્ડન અવર” દરમિયાન 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરો. સમયસર જાણ કરવાથી આશરે 50% વધુ રકમ હોલ્ડ કરાવી શકાય છે.




















