આજે 23 માર્ચ 2026 છે. ભારતની આઝાદીના ઈતિહાસમાં આજની તારીખ અત્યંત મહત્વપૂર્ણ અને ભાવુક કરનારી છે. વર્ષ 1931 માં આજના દિવસે ભારતના મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આ શૂરવીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચને 'શહીદ દિવસ' તરીકે ઉજવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. આ સિવાય આજનો દિવસ વૈશ્વિક સ્તરે 'વિશ્વ હવામાન દિવસ' તરીકે પણ ઓળખાય છે.
'શહીદ દિવસ' - વીર ક્રાંતિકારીઓને નમન
ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં 23 માર્ચ 1931 ની મધ્યરાત્રિનો સમય કાળા દિવસ તરીકે નોંધાયેલો છે. બ્રિટિશ અદાલતના આદેશ મુજબ આ ત્રણેય વીરોને 24 માર્ચ 1931 ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી. જોકે, જનતાના આક્રોશથી ડરી ગયેલી અંગ્રેજ સરકારે નિયમ વિરુદ્ધ જઈને 23 માર્ચની સાંજે જ અંદાજે 7 વાગ્યે તેમને ફાંસી આપી દીધી હતી. તેમના પાર્થિવ દેહ પરિવારને સોંપવાને બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ બલિદાન ભારતની આવનારી પેઢીઓ માટે આઝાદીની ચિંગારી બની ગયું હતું.
23 માર્ચની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ
1951: વિશ્વ હવામાન દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
1995: રૈનચો રુગીએરો World Trade Organization ના પ્રથમ ડિરેક્ટર જનરલ બન્યા. આ જ દિવસે ભારતના વિશ્વનાથન આનંદે પ્રોફેશનલ ચેસ એસોસિએશન કેન્ડિડેટ્સની ફાઇનલ સિરીઝ જીતી હતી.
1999: પેરાગ્વેના ઉપરાષ્ટ્રપતિ પુઇ મારિયા અર્ગાનાની હત્યા કરવામાં આવી હતી.
2001: રશિયન સ્પેસ સ્ટેશન 'મીર'ની જળ સમાધિ થઈ હતી.
2003: દક્ષિણ આફ્રિકાના વાડર ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવ્યું હતું.
2008: ભારતે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'અગ્નિ-1' નું સફળ પરીક્ષણ કર્યું હતું.
જાણીતા વ્યક્તિઓની જન્મજયંતિ
આજના દિવસે અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો હતો, જેમાં શાહજહાંની પુત્રી જહાં આરા (1614), સ્વાતંત્ર્ય સેનાની બસંતી દેવી (1880) અને રામ મનોહર લોહિયા (1910) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીવવિજ્ઞાની આદિત્ય પ્રસાદ દાસ (1951), દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના (1958) અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (1976) નો પણ આજે જન્મદિવસ છે.
જાણીતા વ્યક્તિઓની પુણ્યતિથિ
ભારતના 35મા મુખ્ય ન્યાયાધીશ રમેશ ચંદ્ર લાહોટી (2022) અને 'મહાવીર ચક્ર' વિજેતા બ્રિગેડિયર રાય સિંહ યાદવ (2017) નું આજના દિવસે નિધન થયું હતું. આ સિવાય મહિલા સ્વાતંત્ર્ય સેનાની સુહાસિની ગાંગુલી (1965) અને લોકસભાના પાંચમા અધ્યક્ષ ગુરદયાલ સિંહ ધિલ્લોન (1992) ની પણ આજે પુણ્યતિથિ છે.




















