Home Gujarat 16 New Rules Of Thakor Community In North Gujarat

'ભાગીને લગ્ન કરનારને નહીં સ્વીકારાય સમાજ' : ઠાકોર સમાજના 16 નવા નિયમ, ગેનીબેનની આગેવાનીમાં લેવાયા શપથ

'ભાગીને લગ્ન કરનારને નહીં સ્વીકારાય સમાજ'
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 10:02 AM IST

Thakor Samaj Constitution : ઠાકોર સમાજમાં સામાજિક એકતા અને શિસ્તબદ્ધ સમાજની રચના માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બનાસકાંઠાના ઓગાડ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. આ મહાસંમેલન પૂર્વે પાટણમાં ઠાકોર સમાજનું ‘બંધારણ મહાસંમેલન’ યોજાયું હતું, જેમાં સમાજ માટે તૈયાર કરાયેલા નવા બંધારણનું સત્તાવાર વાંચન કરવામાં આવ્યું હતું.

'ભાગીને લગ્ન કરનારને નહીં સ્વીકારાય'

આ બંધારણ મહાસંમેલનમાં ઠાકોર સમાજમાં લાંબા સમયથી પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ, સંસ્કારી સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓની હાજરીમાં આ નિર્ણયો સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા હતા. નવા બંધારણ હેઠળ કુલ 16 જેટલા કડક અને મહત્વના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ભાગીને લગ્ન કરનાર વ્યક્તિને સમાજમાં સ્વીકારવામાં નહીં આવે, તેમજ લગ્નપ્રસંગોમાં DJ અને સનરૂફ ગાડીઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી દેખાડાપણું અને અનાવશ્યક ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

‘એક સમાજ, એક રિવાજ’

સમાજમાં એકતા અને સમાનતા જળવાઈ રહે તે માટે ‘એક સમાજ, એક રિવાજ’નું સૂત્ર અપનાવવામાં આવ્યું છે. આ બંધારણ ત્રણ જિલ્લાના કુલ 27 તાલુકા માટે લાગુ પડશે, જેથી સમગ્ર વિસ્તારમાં ઠાકોર સમાજ એકસૂત્રમાં બંધાઈ શકે. આગામી 4 જાન્યુઆરીના રોજ ઓગાડ ખાતે યોજાનાર મહાસંમેલનમાં આ બંધારણ અને નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ મહાસંમેલનને ઠાકોર સમાજના ભવિષ્ય માટે એક ઐતિહાસિક અને માર્ગદર્શક પગલું માનવામાં આવી રહ્યું છે, જે સમાજને વધુ સુવ્યવસ્થિત અને એકતાપૂર્ણ બનાવશે.

કયા કયા નિયમો જાહેર કરાયા?

  • મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ

  • જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે એ રકમ શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવાનું

  • મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં

  • કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ

  • સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિ જ જઈ શકશે. ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે

  • લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1 થી 15) નક્કી કરાયા

  • લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવી પડશે, જેમાં 10 વર્ષથી ઉપરનાં બાળકને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે

  • જાનમાં સનરૂફ ગાડીઓ, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે

  • લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ સદંતર બંધ

  • સામાજિક સુધારાના ભાગરૂપે જમણવારમાં મેનુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય

  • મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now