ભારત અને વિશ્વના ઇતિહાસમાં 10 મેનો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ માટે યાદ કરવામાં આવે છે. ખાસ કરીને વર્ષ 1857માં આજના દિવસે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત મેરઠથી થઈ હતી, જેને બ્રિટિશ શાસન વિરુદ્ધના સૌથી મોટા વિદ્રોહ તરીકે જોવામાં આવે છે. આ ક્રાંતિએ સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન સામે બળવો ભભૂકી ઉઠ્યો હતો અને બાદમાં તે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની પાયાની ઘટના બની હતી.
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત
વર્ષ 1857માં 10 મેના રોજ મેરઠ ખાતે ભારતીય સિપાહીઓએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો કર્યો હતો. તે સમય દરમિયાન ભારતના ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ હતા. સૈનિકોમાં અસંતોષ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા મુદ્દાઓ અને અંગ્રેજોની દમનકારી નીતિઓને કારણે વિદ્રોહ ભભૂકી ઉઠ્યો હતો.
મેરઠથી શરૂ થયેલો આ બળવો ધીમે ધીમે દિલ્હી, કાનપુર, ઝાંસી, બરેલી, અવધ સહિત દેશના અનેક વિસ્તારોમાં ફેલાયો હતો. શરૂઆતમાં આ સૈનિક વિદ્રોહ તરીકે જોવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તે અંગ્રેજ શાસન વિરુદ્ધના વ્યાપક જનઆંદોલનમાં બદલાયો હતો. ઇતિહાસમાં તેને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે.
10 મેની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ
1994: દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ પ્રિટોરિયામાં દેશના રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કર્યા હતા.
1999: પેનિસિલિનના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સર એડવર્ડ અબ્રાહમનું અવસાન થયું હતું.
2001: ભારત અને તાજિકિસ્તાન વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા હતા.
2003: મોઝામ્બિકના રાષ્ટ્રપતિ જોકી આલ્બર્ટો ફિસાનો ભારતની મુલાકાતે આવ્યા હતા.
2005: ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોર-અમૃતસર બસ સેવા શરૂ કરવા સહમતિ થઈ હતી.
2006: ઈસરો અને નાસા વચ્ચે ચંદ્રયાન-1 મિશન માટે વૈજ્ઞાનિક સાધનો મોકલવા કરાર થયો હતો.
2007: ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને કાર્યસ્થળ પર ભેદભાવ અંગે મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કર્યો હતો.
2008: હિઝબુલ્લાએ લેબનાનની રાજધાની બેરૂતના કેટલાક વિસ્તારો પર કબજો કરવાનો દાવો કર્યો હતો.
10 મેના રોજ જન્મેલા પ્રખ્યાત લોકો
રામેશ્વર નાથ કાવ (1918): ભારતની ગુપ્તચર સંસ્થા RAWના સ્થાપક.
વી.કે. સિંહ (1951): ભારતીય સેનાના ભૂતપૂર્વ આર્મી ચીફ અને રાજકારણી.
પેન્ટલા હરિકૃષ્ણા (1986): ભારતના જાણીતા ચેસ ખેલાડી.
યોગેન્દ્ર સિંહ યાદવ (1980): પરમવીર ચક્ર વિજેતા ભારતીય સૈનિક.
પંકજ મલિક (1905): જાણીતા ગાયક, સંગીતકાર અને અભિનેતા.
10 મેના રોજ નિધન પામેલા જાણીતા લોકો
શિવકુમાર શર્મા (2022): વિશ્વવિખ્યાત સંતૂર વાદક.
મેક મોહન (2010): હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા.
કૈફી આઝમી (2002): પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર.
હરિ વાસુદેવન (2020): જાણીતા ઇતિહાસકાર અને NCERT પાઠ્યપુસ્તકોના સર્જક.
છત્રપતિ સાહુ મહારાજ (1922): સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ નેતા.





