Home International 1 December History World Aids Day Nagaland Foundation Bsf Raising Day Significance

આજે 1 ડિસેમ્બર : વિશ્વ એઈડ્સ દિવસ, BSFનો સ્થાપના દિવસ

આજે 1 ડિસેમ્બર
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 01:30 AM IST

વર્ષના અંતિમ મહિનાનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે ત્યારે પહેલી ડિસેમ્બરનો દિવસ ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આજનો દિવસ વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે તો ભારતમાં સુરક્ષા અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપે છે. આજે સમગ્ર વિશ્વમાં જીવલેણ બીમારી સામે લડવા માટે એકજૂથ થઈને સંકલ્પ લેવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ અને દેશની સરહદોના રક્ષક એવા સીમા સુરક્ષા દળ માટે પણ આજનો દિવસ ગૌરવવંતો છે. ચાલો જાણીએ આજની તારીખ સાથે જોડાયેલી વિશેષ ઘટનાઓ અને દેશ દુનિયામાં બનેલા મહત્વના બનાવો વિશે.

દેશ અને દુનિયામાં 1 ડિસેમ્બરે બનેલી મુખ્ય ઘટનાઓ

વર્ષ 1640માં યુરોપમાં એક મોટી રાજકીય ઘટના બની હતી જેમાં પોર્ટુગલને સ્પેનની 60 વર્ષની ગુલામીમાંથી મુક્તિ મળી હતી અને તે સ્વતંત્ર થયું હતું.

વર્ષ 1933માં ભારતીય ઉપખંડમાં પરિવહન ક્ષેત્રે નવી શરૂઆત થઈ હતી જેમાં કોલકાતા અને ઢાકા વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1959માં વિશ્વના 12 દેશોએ ભેગા મળીને એન્ટાર્કટિકાના શાંતિપૂર્ણ અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે એક મહત્વની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ જ દિવસે અવકાશમાંથી પૃથ્વીનો પ્રથમ રંગીન ફોટો પણ લેવામાં આવ્યો હતો.

વર્ષ 1963માં ભારતની એકતા અને અખંડિતતામાં વધારો થયો હતો. આજના દિવસે નાગાલેન્ડને ભારતના 16મા રાજ્ય તરીકેનો સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થયો હતો.

વર્ષ 1965માં દેશની સુરક્ષા માટે મહત્વની ગણાતી બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની સ્થાપના કરવામાં આવી હતી. આ દળ મુખ્યત્વે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરે છે.

વર્ષ 1974માં અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બોઈંગ 727 વિમાન ક્રેશ થતા 92 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.

વર્ષ 1976માં આફ્રિકન દેશ અંગોલા સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું હતું. આજ વર્ષે બાંગ્લાદેશમાં જનરલ ઝિયાઉર રહેમાને સત્તા સંભાળીને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.

વર્ષ 1987માં અફઘાનિસ્તાનમાં નવા બંધારણ અંતર્ગત ડૉક્ટર નજીબુલ્લાહ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વર્ષ 1988માં પાકિસ્તાનના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો. ત્યાં કટોકટીનો અંત આવ્યો અને બેનઝીર ભુટ્ટોને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વર્ષ 1991માં વૈશ્વિક સ્તરે એઈડ્સ જાગૃતિ અભિયાનને વેગ આપવાની શરૂઆત થઈ હતી.

વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન કંદહાર એરપોર્ટ પર તાલિબાન વિરોધી બળવાખોરોએ કબજો જમાવ્યો હતો.

વર્ષ 2006માં નેપાળમાં લોકશાહીની દિશામાં એક પગલું ભરાયું હતું અને ત્યાં નવા રાષ્ટ્રગીતને મંજૂરી મળી હતી જેમાં રાજાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

વર્ષ 2007માં ચીનમાં યોજાયેલી સૌંદર્ય સ્પર્ધામાં ચીનની સ્પર્ધક ઝી લિન મિસ વર્લ્ડ બની હતી.

વર્ષ 2008માં ભારતના પ્રખ્યાત બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ 75મું નેશનલ સિનિયર બિલિયર્ડ્સ અને સ્નૂકર ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

વિશ્વ એઈડ્સ દિવસનું મહત્વ

દર વર્ષે પહેલી ડિસેમ્બરે સમગ્ર દુનિયામાં વિશ્વ એઈડ્સ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં આ ગંભીર બીમારી વિશે સમજણ કેળવવાનો છે. વર્ષ 1988થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. એચઆઈવી જેવા ચેપી રોગ સામે સુરક્ષા અને સાવચેતી જ એકમાત્ર ઉપાય છે કારણ કે તેની કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. અસુરક્ષિત શારીરિક સંબંધોને કારણે શરીરમાં પ્રવેશતા આ વાયરસના લક્ષણો લાંબા ગાળે દેખાય છે. સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવી અને લોકોને શિક્ષિત કરવા એ આ દિવસનો ઉદ્દેશ્ય છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2022માં દુનિયાભરમાં 4.04 કરોડ લોકો આ રોગથી પીડિત હતા જેમાં ભારત અને આફ્રિકાના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now