Home International Youth Dangerous Stunt To Stop Vande Bharat Train Fore Making Reel Passengers Lives Risk Viral Video

રીલના રવાડે ચડેલા યુવાનોની જોખમી કરતૂત : ''હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી વંદે ભારત, હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

રીલના રવાડે ચડેલા યુવાનોની જોખમી કરતૂત
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 06:59 AM IST

આજકાલ સોશિયલ મીડિયા પર 'લાઈક્સ' અને 'વ્યુઝ' મેળવવાની લાલચ યુવાનોને પાગલ બનાવી રહી છે. ડિજિટલ દુનિયામાં ફેમસ થવાની આ ઘેલછા હવે માત્ર રમુજ કે ડાન્સ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ગુનાહિત કૃત્યો સુધી પહોંચી ગઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. કેટલાક શિખામણ વગરના યુવકોએ માત્ર એક 'રીલ' બનાવવા માટે દેશની સૌથી પ્રીમિયમ હાઈ-સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' ના રૂટ પર મોતની જાળ બિછાવી હતી. આ યુવકોએ ટ્રેનને અધવચ્ચે ઉભી રખાવવા માટે રેલવે ટ્રેક પર લાકડાના મોટા લઠ્ઠા મૂકી દીધા હતા, જે એક મોટી ટ્રેન દુર્ઘટનાને આમંત્રણ આપી દીધું હોત.

"અંકલ, અમે તો ખાલી વીડિયો ઉતારીએ છીએ": બેજવાબદારીની પરાકાષ્ઠા

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો કોઈ પણ ડર વગર રેલવે ટ્રેક પર મોટા લાકડાના ટુકડા ગોઠવી રહ્યા છે. જ્યારે હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી, ત્યારે પાટા પર અવરોધ જોઈને લોકોમોટિવ પાયલટે (ડ્રાઈવરે) સમયસૂચકતા વાપરી ઈમરજન્સી બ્રેક મારી હતી. ટ્રેન ઉભી રહી જતાં આ યુવકો ડરવાના બદલે ગર્વથી બોલતા સંભળાયા હતા કે, "જુઓ, અમે વંદે ભારત અટકાવી દીધી!" જ્યારે રેલવે સ્ટાફે આ જોખમી રમત વિશે તેમને ઠપકો આપ્યો, ત્યારે તેમણે અત્યંત નિર્લજ્જતાથી જવાબ આપ્યો કે, "અંકલ, અમે અંદર થોડા આવીએ છીએ, અમે તો બસ બહાર ઉભા રહીને વીડિયો શૂટ કરીએ છીએ."

સોશિયલ મીડિયા પર યુઝર્સનો ફાટી નીકળ્યો આક્રોશ

આ વીડિયો X (ટ્વિટર) પર વાયરલ થતા જ લોકોએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે સુરક્ષા દળ (RPF) ને ટેગ કરીને આ 'રીલબાજો' ને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે. નેટીઝન્સનું કહેવું છે કે હાઈ-સ્પીડ ટ્રેનમાં જ્યારે અચાનક ઈમરજન્સી બ્રેક મારવામાં આવે છે, ત્યારે પાટા પરથી ઉતરી જવાનું કે અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજા થવાનું જોખમ રહેલું હોય છે. ઘણા યુઝર્સે આ કૃત્યને આતંકવાદી હુમલા સમાન ગણાવ્યું છે.

જેલની હવા ખાવાની તૈયારી: શું કહે છે રેલવેનો કાયદો?

આ માત્ર મજાક નથી, પણ કાયદેસરનો ગંભીર ગુનો છે. રેલવે એક્ટ, 1989 હેઠળ આ યુવકો સામે કડક કલમો લાગુ થઈ શકે છે:

  • કલમ 150: જો કોઈ વ્યક્તિ ટ્રેક પર અવરોધ મૂકીને ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે, તો તેને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત જેલ થઈ શકે છે.

  • કલમ 174: રેલવેની સામાન્ય કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ 2 વર્ષની જેલ કે મોટા દંડની જોગવાઈ છે.

RPF એ શરૂ કરી તપાસ

આ વીડિયો કયા વિસ્તારનો છે તેની અત્યારે તપાસ ચાલી રહી છે. રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક સાયબર પોલીસ વીડિયો ફૂટેજના આધારે યુવકોના ચહેરા અને લોકેશન ટ્રેસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની જોખમી રીલ બનાવનારાઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now