logo-img
Vadodara Municipal Corporations Blue Bond Public Issue

વડોદરા મહાનગરપાલિકાનો ‘બ્લુ બોન્ડ’ પબ્લિક ઈશ્યુ : નાગરિકોની સીધી ભાગીદારી સાથે શહેરમાં પાણી વ્યવસ્થા મજબૂત બનાવવાનો પ્રયાસ

વડોદરા મહાનગરપાલિકાનો ‘બ્લુ બોન્ડ’ પબ્લિક ઈશ્યુ
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 07:22 AM IST

Vadodara Municipal Corporation Blue Bond issue: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના વિકાસ અને પાણી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે રૂ.200 કરોડનો ‘બ્લુ બોન્ડ’ પબ્લિક ઈશ્યુ ટૂંક સમયમાં બહાર પાડવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પહેલ દેશમાં પ્રથમ વખત કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘બ્લુ મ્યુનિસિપલ બોન્ડ’ જાહેર કરવાની તરફ એક મહત્વનું પગલું છે. અગાઉના મ્યુનિસિપલ અને ગ્રીન બોન્ડની અભૂતપૂર્વ સફળતા બાદ આ વખતે ખાસ કરીને નાના રોકાણકારો અને શહેરના નાગરિકોને સીધી ભાગીદારી આપવાનો આશય છે.

શું છે બ્લુ બોન્ડ અને તેનો ઉપયોગ?

‘બ્લુ બોન્ડ’ એ એક પ્રકારનું મ્યુનિસિપલ બોન્ડ છે જે ખાસ કરીને જળ સંસાધનોના સંરક્ષણ, ટકાઉ વ્યવસ્થાપન અને પાણી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે જારી કરવામાં આવે છે. આ બોન્ડ ગ્રીન બોન્ડની જેમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને કામ કરે છે, પરંતુ ફોકસ મુખ્યત્વે પીવાના પાણીની વ્યવસ્થા, વોટર વર્ક્સ, વરસાદી પાણીનું સંગ્રહણ અને વેસ્ટવોટર રિસાયક્લિંગ જેવા પ્રોજેક્ટ્સ પર છે. વીએમસી આ ભંડોળનો ઉપયોગ AMRUT જેવી યોજનાઓ હેઠળ પાણી પુરવઠા પ્રોજેક્ટ્સમાં કરશે, જેથી શહેરમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે.

અગાઉના બોન્ડની સફળતા અને વિશ્વાસ

વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ 2022 માં રૂ. 100 કરોડના મ્યુનિસિપલ બોન્ડ અને ૨૦૨૪માં રૂ. 100 કરોડના ગ્રીન બોન્ડ જારી કર્યા હતા, જેમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ગ્રીન બોન્ડ તો 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઇબ થયો હતો. આ બોન્ડ્સ AA+ રેટિંગ સાથે જારી થયા હતા અને તેનાથી પાલિકાને ઓછા વ્યાજે ભંડોળ મળ્યું હતું. આ સફળતાએ રોકાણકારોમાં વીએમસી પ્રત્યે વિશ્વાસ વધાર્યો છે. આ વખતે પબ્લિક ઈશ્યુમાં ન્યૂનતમ રૂ. 10,000થી રોકાણ શરૂ થશે, જેથી સામાન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે.

એજન્સીની નિમણૂકને સ્ટેન્ડિગમાં મંજૂરી

આ બોન્ડ સલામત અને સ્થિર આવકનું સાધન છે. ફિક્સ વ્યાજ દરે દર છ મહિને વ્યાજ મળશે અને મુદત પૂર્ણ થતાં મૂળ રકમ પરત મળશે. સરકારી સંસ્થા સાથે જોડાયેલ હોવાથી જોખમ ઓછું છે. પાલિકાને બેંક લોન કરતાં ઓછા વ્યાજે અને ઓછી શરતો સાથે ભંડોળ મળશે, જેથી નાણાકીય ભાર ઘટશે. સ્ટેન્ડિંગ કમિટીએ એજન્સીની નિમણૂક સહિતની પ્રક્રિયાને મંજૂરી આપી છે અને મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોંપવામાં આવી છે.

જનભાગીદારી અને શહેરના વિકાસનો નવો અધ્યાય

આ પહેલથી વિકાસ કાર્યોમાં નાગરિકોની સીધી ભાગીદારી વધશે અને શહેરની નાણાકીય સ્વતંત્રતા મજબૂત બનશે. પાણીની સમસ્યા ઉકેલવા માટે આ બોન્ડ મહત્વનું પગલું સાબિત થશે. વીએમસીની આ નવીનતમ પહેલ દેશમાં અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now