Home Gujarat Liquor Worth Rs 1 51 Crore Seized From A Truck On Vasad Bagodara Highway In Anand Smuggling Was Going On Under Guise Of Rice Flour

કણકીની આડમાં ચાલતું દારૂનું સ્મગલિંગ ઝડપાયું : હાઈવે પર ટ્રકમાંથી રૂ.1.51 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો પોલીસે કેવી રીતે બૂટલેગરોના મનસૂબા પર ફેરવ્યું પાણી

કણકીની આડમાં ચાલતું દારૂનું સ્મગલિંગ ઝડપાયું
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 10:11 AM IST

આણંદ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. વાસદ-બગોદરા હાઈવે પર બાતમીના આધારે કરવામાં આવેલી એક સઘન કાર્યવાહીમાં પોલીસે ચોખાની કણકીની આડમાં લઈ જવાતો અધધ રૂ.1.51 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આણંદ પોલીસની આ કામગીરીને અત્યાર સુધીની સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવે છે. ટ્રકમાં અનાજના કોથળા નીચે છુપાવેલી દારૂની હજારો બોટલો જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ટ્રક સહિત રૂ.1.66 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સહયોગ હોટલના પાર્કિંગમાં LCBનો મધરાત્રે દરોડો

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણી દ્વારા દારૂની હેરફેર રોકવા માટે અપાયેલી કડક સૂચના બાદ LCBની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI મહિપાલસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભારેલ ગામની સીમમાં આવેલી 'સહયોગ હોટલ'ના પાર્કિંગમાં ઊભેલી એક અશોક લેલન ટ્રક પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની ગાડી આવતી જોઈને ટ્રકનો ચાલક અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

968 પેટીઓ અને 25,000 થી વધુ બોટલોનો જથ્થો

પોલીસે જ્યારે ટ્રકની તાડપત્રી ખોલીને તપાસ કરી ત્યારે ઉપરના ભાગે ચોખાની કણકીના 500 જેટલા કોથળાઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. જોકે, કોથળા હટાવતા જ નીચેથી વિદેશી દારૂની પેટીઓનો ખજાનો નીકળ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 968 પેટીઓ એટલે કે 25,994 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. જેની બજાર કિંમત રૂ.1,51,00,800/- આંકવામાં આવી છે.

કરોડોનો મુદ્દામાલ જપ્ત: પોલીસની તપાસ તેજ

આ કામગીરીમાં પોલીસે માત્ર દારૂ જ નહીં, પરંતુ રૂ.15 લાખની કિંમતની ટ્રક અને રૂ.50 હજારની કિંમતની ચોખાની કણકી સહિત કુલ રૂ.1,66,50,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. LCB ના PI એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ હવે એ તપાસ કરી રહી છે કે, આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ગુજરાતના કયા શહેરમાં પહોંચાડવાનો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now