Home Sports Ing Vs Nz T20 World Cup Final 2026 At Ahmedabad Hotel Rent

ING vs NZ T20 World Cup Final 2026 : ભારત-ન્યુઝીલેન્ડ જંગ પહેલા અમદાવાદમાં 'ક્રિકેટ ફિવર', હોટલ ભાડામાં 400% અને ફ્લાઈટ ટિકિટમાં તોતિંગ વધારો

ING vs NZ T20 World Cup Final 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 04:06 AM IST

ING vs NZ T20 World Cup Final 2026: ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે! આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. આ ઐતિહાસિક મેચને પગલે અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે, જેની સીધી અસર શહેરના પ્રવાસન અને હોસ્પિટાલિટી બિઝનેસ પર જોવા મળી રહી છે.

હોટલના ભાવ આસમાને:

ફાઇનલ મેચના ક્રેઝને કારણે અમદાવાદની હોટલોમાં રૂમના ભાવમાં 300 થી 400 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

કિંમતોમાં ઉછાળો: જે રૂમ સામાન્ય રીતે ₹5,000 થી ₹20,000માં મળતા હતા, તેના ભાવ અત્યારે ₹15,000 થી ₹50,000 સુધી પહોંચી ગયા છે.

ગાંધીનગર તરફ વળ્યા ચાહકો: અમદાવાદમાં અંદાજે 10,000 હોટલ રૂમ છે, જેમાંથી 80% થી વધુ બુક થઈ ગયા છે. મોંઘા ભાવ અને અછતને કારણે ઘણા ચાહકો હવે ગાંધીનગરમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

હવાઈ ભાડામાં અનેકગણો વધારોઃ

માત્ર રહેવાનું જ નહીં, પણ અમદાવાદ પહોંચવું પણ હવે ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. મેચ જોવા આવતા પ્રવાસીઓના ધસારાને કારણે ફ્લાઈટ ટિકિટના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે:

રૂટ સામાન્ય ભાડું વર્તમાન ભાડું (અંદાજે)

મુંબઈ થી અમદાવાદ ₹3,000 - ₹4,000 ₹15,000 - ₹17,000

દિલ્હી થી અમદાવાદ ₹5,000 - ₹6,000 ₹12,000- ₹14,000

બેંગલુરુ થી અમદાવાદ ₹6,000 - ₹7,000 ₹11,000- ₹13,000

રેલવે દ્વારા પણ ભીડને પહોંચી વળવા માટે દિલ્હીથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

રોડ માર્ગે પણ ચાહકોનો ધસારોઃ

ઘણા ચાહકો, ખાસ કરીને મુંબઈ અને આસપાસના શહેરોમાંથી આવતા લોકો, હવાઈ ભાડા બચાવવા માટે પોતાના ખાનગી વાહનો કે ટેક્સી દ્વારા અમદાવાદ પહોંચી રહ્યા છે. રવિવારે સવારે નીકળીને મેચ માણી રાત્રે પરત ફરવાનું આયોજન ઘણા લોકોએ કર્યું છે.

સ્થાનિક અર્થતંત્રને મોટો વેગઃ

T20 વર્લ્ડ કપની આ ફાઇનલ મેચે અમદાવાદના પ્રવાસન, ટ્રાન્સપોર્ટ અને ફૂડ બિઝનેસને જબરદસ્ત વેગ આપ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા મુજબ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થાનિક બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે આખું અમદાવાદ 'મેન ઇન બ્લુ'ના સપોર્ટમાં તૈયાર છે, ત્યારે જોવાનું એ રહેશે કે ભારત ઘરઆંગણે આ ટ્રોફી જીતીને ઈતિહાસ રચે છે કે કેમ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now