Home Sports Gujaratis Including Jasprit Bumrah Axar Patel Hardik Pandya And Sitanshu Kotak Played A Big Role In Making India The World Champion

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો : ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સૌથી મહત્ત્વની હતી આ 4 ગુજરાતીઓની ભૂમિકા!

T20 World Cupમાં ગુજરાતીઓનો ડંકો
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 04:00 AM IST

T20 World Cup 2026: ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજીવાર ટાઇટલ જીત્યું અને ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતમાં ઘણા ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ ખાસ વાત એ રહી કે ગુજરાત સાથે જોડાયેલા ચાર દિગ્ગજોએ ટીમની સફળતામાં મોટો ફાળો આપ્યો. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટક ભારતની જીતના મુખ્ય હીરો બન્યા.

ભારતીય બોલિંગનો મુખ્ય આધારસ્તંભ ગણાતા જસપ્રીત બુમરાહે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બોલિંગ કરી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેણે માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી અને મેચનો પાસો ભારત તરફ ફેરવી દીધો. તેની આ ઘાતક બોલિંગના કારણે કિવી ટીમ દબાણમાં આવી ગઈ હતી. સેમિફાઈનલમાં પણ ઇંગ્લેન્ડ સામે મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે કાબૂમાં બોલિંગ કરીને ભારતને મેચમાં પાછું લાવ્યું હતું. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં બુમરાહે 7 મેચમાં 10 વિકેટ લઈને પોતાની અસર સાબિત કરી છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ સમગ્ર ટુર્નામેન્ટમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 9 મેચમાં 217 રન બનાવ્યા અને 9 વિકેટ ઝડપી. તેની સ્ટ્રાઈક રેટ 160થી વધુ રહી હતી. સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે તેણે માત્ર 12 બોલમાં 27 રન બનાવી ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. બોલિંગમાં પણ તેણે મહત્વપૂર્ણ ક્ષણે વિકેટ લઈને ટીમને ફાયદો પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે સામેની મેચમાં 23 બોલમાં નોટઆઉટ 50 રન બનાવી તેણે ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી હતી.

અક્ષર પટેલે પણ બોલિંગ અને ફિલ્ડિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સમગ્ર ટુર્નામેન્ટમાં તેણે 11 વિકેટ લીધી. ફાઈનલમાં ફિન એલનની વિકેટ લઈને તેણે ન્યૂઝીલેન્ડની શરૂઆતને મોટો ઝટકો આપ્યો. સેમિફાઈનલમાં તેની અદ્ભુત ફિલ્ડિંગે પણ મેચનો રુખ બદલી નાખ્યો હતો. હેરી બ્રુકનો કેચ પકડવા માટે તેણે લગભગ 24 મીટર દોડી ડાઇવ મારીને અદ્ભુત કેચ લીધો હતો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

આ ખેલાડીઓ સિવાય ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકનું યોગદાન પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યું. રાજકોટના રહેવાસી સિતાંશુ કોટકે ટીમની બેટિંગ ટેકનિક પર વિશેષ કામ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ઘણા ખેલાડીઓએ પોતાની બેટિંગ સુધારી. ખાસ કરીને સંજુ સેમસનની ટેકનિક પર તેમણે ઘણું કામ કર્યું, જેના કારણે તે ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે રમેલા સિતાંશુ કોટકએ 130 પ્રથમ શ્રેણી મેચોમાં 8 હજારથી વધુ રન બનાવ્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે કોચિંગમાં પ્રવેશ કર્યો અને સૌરાષ્ટ્રને 2020માં રણજી ટ્રોફી જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારબાદ તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી અને ઈન્ડિયા-A ટીમ સાથે પણ જોડાયા.

આ રીતે જોવામાં આવે તો આ આખી ટુર્નામેન્ટમાં ગુજરાત સાથે જોડાયેલા ખેલાડીઓ અને કોચનો જબરદસ્ત પ્રભાવ જોવા મળ્યો. મેદાન પર ખેલાડીઓએ અને ડ્રેસિંગ રૂમમાં કોચે આપેલા યોગદાનના કારણે ભારત ફરી એકવાર T20 વર્લ્ડ કપનો ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now