Home Gujarat Dahod District Girls Performed Brilliantly In The State Level Khel Mahakumbh Bringing Laurels By Winning Two Medals At The State Level

ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાનું ગૌરવ વધ્યું : રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લા દીકરીઓનો શાનદાર દેખાવ, રાજ્ય સ્તરે બે મેડલ જીતી નામ રોશન કર્યું

ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાનું ગૌરવ વધ્યું
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 06:57 AM IST

Girls Wins Medals At Khel Mahakumbh: નડિયાદના અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 24 અને 25 જાન્યુઆરીના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય દર્શાવી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગૌરવપૂર્વક રોશન કર્યું છે. વિવિધ રમતોમાં ભાગ લઈને દાહોદના ખેલાડીઓએ મેડલની ઝડી વરસાવી છે.

અંડર-9 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં દીકરીઓની ઐતિહાસિક સિદ્ધિ

ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ, બોઘડવા પ્રાથમિક શાળાની બે પ્રતિભાશાળી દીકરીઓએ અંડર-9 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્યના કુલ ત્રણ મેડલ પૈકી બે મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જયશ્રીબેન દિલીપભાઈ બારિયાએ ગોલ્ડ મેડલ જીતી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દુર્ગાબેન છત્રસિંહ પટેલે તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિથી સમગ્ર દાહોદ જિલ્લામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

કોચના માર્ગદર્શનથી મળ્યું સફળતાનું શિખર

આ દીકરીઓની સફળતા પાછળ કોચ તથા આચાર્ય ભારતસિંહ રાઠવાના અવિરત પરિશ્રમ અને દૃઢ માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે. તેમણે ધોરણ-1થી જ દીકરીઓની શારીરિક ક્ષમતા અને સ્ટેમિનાને ઓળખી, તેમને મોટા બાળકો સાથે સતત પ્રેક્ટિસ કરાવી, જેના પરિણામે તેઓ રાજ્ય સ્તરે પોતાનું કૌશલ્ય સાબિત કરી શકી.

દોડ સ્પર્ધામાં સુરેશભાઈએ રચ્યો ઈતિહાસ

આ ઉપરાંત, ધાનપુર તાલુકાની જ શીંગાવલી પીએમ શ્રી-ગુજરાત પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સુરેશભાઈ રમેશભાઈ ધાનકે રાજ્ય કક્ષાની દોડ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી શાળાના ઈતિહાસમાં પ્રથમવાર ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. તેમની આ સફળતા માટે કોચ નરેન્દ્રભાઈ ખાબડ અને નરવતભાઈ ખાબડને વિશેષ પ્રશંસા મળી રહી છે.

યોગ્ય તાલીમથી શક્ય છે મોટી સિદ્ધિ

રાજ્ય કક્ષાના આ ખેલ મહાકુંભમાં દાહોદ જિલ્લાના ખેલાડીઓએ જે ઉત્કૃષ્ટતા દર્શાવી છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય માર્ગદર્શન, નિયમિત તાલીમ અને આત્મવિશ્વાસ સાથે નાના ખેલાડીઓ પણ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા હાંસલ કરી શકે છે. આ સિદ્ધિઓ દાહોદ જિલ્લાના ખેલ ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now