Home Gujarat Black Market Of Cheap Food Grains Exposed In Surendranagar Goods Worth Lakhs Seized From Lakhtar Highwa

કોણ ખાઈ જાય છે ગરીબોનું અનાજ? : સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની કાળાબજારીનો પર્દાફાશ, લખતર હાઈ-વે પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત

કોણ ખાઈ જાય છે ગરીબોનું અનાજ?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:05 PM IST

Surendranagar News: જિલ્લામાં ગરીબો માટે આવતા સરકારી અનાજને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ફરી એકવાર પ્રકાશમાં આવ્યું છે. સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર પુરવઠા વિભાગે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને સરકારી અનાજના જથ્થા સાથે એક માલવાહક વાહનને ઝડપી પાડ્યું છે.

બાતમીના આધારે કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરને ચોક્કસ બાતમી મળી હતી કે એક માલવાહક વાહનમાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે લખતર હાઇવે પર ઝંમર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહન ત્યાંથી પસાર થતા જ તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી.

શું મળી આવ્યું વાહનમાંથી?

પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં માલવાહક વાહનમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારી ચોખા 46 કોથળા (પ્લાસ્ટિક બેગ્સ), અન્ય સરકારી અનાજનો જથ્થો પણ મળી આવ્યો છે. વાહન અને અનાજ મળી અંદાજે ₹4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કડક કાર્યવાહીના સંકેત

જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે આ અનાજનો જથ્થો તાત્કાલિક ધોરણે લખતર સરકારી ગોડાઉન ખાતે જપ્ત કર્યો છે. હાલમાં પકડાયેલા શખ્સની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે જણાવ્યું હતું કે આ અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં જે કોઈ પણ વ્યક્તિ કે સસ્તા અનાજની દુકાનદારની સંડોવણી ખુલશે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાને પગલે જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો અને કાળાબજારી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે પૂછપરછમાં આ નેટવર્ક પાછળના કયા મોટા માથાઓના નામ બહાર આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now