Home Gujarat A Reckless Range Rover Caused Havoc In Vadodara Jumped The Divider And Crashed Into A Traffic Signal

વડોદરામાં બેફામ રેન્જ રોવરનો કહેર! : ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ સાથે ભયાનક ટક્કર, ટાયર નીકળી ગયું - ચાલક ફરાર

વડોદરામાં બેફામ રેન્જ રોવરનો કહેર!
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 03:53 AM IST

Vadodara Range Rover accident: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જુબેલીબાગ તરફથી રાવપુરા તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સીધી ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી વધુ હતી કે કારનું એક ટાયર બહાર નીકળી ગયું હતું અને આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગયો હતો.

કારચાલક સ્થળ પરથી ફરાર

અકસ્માત દરમિયાન સુરક્ષા માટે લાગેલી એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માત થતા જ ચાર રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. લોકો એકત્રિત થયા અને મદદ માટે દોડ્યા, પરંતુ તે પહેલાં જ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. ટ્રાફિક સિગ્નલ સાથે જોરદાર ટક્કર થતાં આખો પોલ ઊખડી ગયો હતો અને કારની દિશા પણ ફેરવાઈ ગઈ હતી.

પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં કેસ નોંધ્યો

ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિનો કાબૂ મેળવ્યો હતો. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં કેસ નોંધ્યો છે. સાથે સાથે ટ્રાફિક સિગ્નલ સહિતની સરકારી મિલકતને થયેલા નુકસાન અંગે પણ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર એક વર્ષ અગાઉ વેચાણ થઈ ચૂકી છે, જેના આધારે હાલના માલિક અને વાહન ચલાવનાર વ્યક્તિ સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.

ચાલક નશાની હાલતમાં હતો

પોલીસ હવે અકસ્માત સમયે કારની ઝડપ કેટલી હતી, કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં તેમજ ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે તમામ મુદ્દાઓ પર વિગતવાર તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કરી આરોપીને ઝડપી પાડવા પોલીસના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ બેફામ ડ્રાઇવિંગના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now