Home National Zojila Tunnel Final Breakthrough Ladakh Connectivity India

કાશ્મીરથી લદાખનું સીધું જોડાણ! : પહાડો પર દોઢથી બે કલાકની મુસાફરી હવે માત્ર 15-20 મિનિટમાં, સેનાના જવાનો માટે આર્શીવાદરૂપ બનશે જોજિલા ટનલ

Zojila Breakthrough Border Connectivity Ladakh Road
Play Video
Image Credit: @kashmirobserver
Published by: Nirali Gohil
Last Updated: Jun 09, 2026, 06:34 AM IST

Zojila Breakthrough: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈતિહાસમાં 9 જૂન 2026નો દિવસ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે નોંધાવા જઈ રહ્યો છે. વર્ષોથી હિમાલયના કઠિન પહાડો વચ્ચે ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી ઝોજિલા ટનલ પ્રોજેક્ટે હવે પોતાના સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કર્યો છે. 13.153 કિલોમીટર લાંબી ઝોજિલા ટનલના ખોદકામનો અંતિમ બ્રેકથ્રુ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેનો અર્થ છે કે પહાડની બંને બાજુથી થઈ રહેલું ખોદકામ હવે એકબીજા સાથે જોડાઈ જશે. દરિયાઈ સપાટીથી 11,500 ફૂટથી વધુ ઊંચાઈએ બની રહેલી આ ટનલ માત્ર એક રોડ પ્રોજેક્ટ નથી, પરંતુ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટી જાળવી રાખવાનું ભારતનું દાયકાઓ જૂનું સ્વપ્ન છે. બરફ, હિમપ્રપાત અને માઈનસ 40 ડિગ્રી સુધીના તાપમાન વચ્ચે બનેલી આ ટનલ વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી સૌથી લાંબી સિંગલ-ટ્યુબ બાય-ડિરેક્શનલ રોડ ટનલ બનશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ ભારતની સરહદી સુરક્ષા, સ્થાનિક અર્થતંત્ર અને લદ્દાખના લાખો લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.

શું છે ઝોજિલા ટનલ?

ઝોજિલા ટનલ જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ નજીક આવેલા બાલતાલ વિસ્તારને લદ્દાખના મીનામાર્ગ સાથે જોડે છે. હાલ શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર આવેલો ઝોજિલા પાસ શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે પાંચથી છ મહિના સુધી બંધ રહે છે. જેના કારણે લદ્દાખનો દેશના અન્ય વિસ્તારો સાથેનો જમીની સંપર્ક લગભગ તૂટી જાય છે. આ ટનલ શરૂ થયા બાદ વર્ષના 365 દિવસ વાહનવ્યવહાર શક્ય બનશે અને લદ્દાખ માટે એક કાયમી ઓલ-વેધર કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. સમગ્ર પ્રોજેક્ટની કુલ લંબાઈ લગભગ 30.89 કિલોમીટર છે, જેમાં મુખ્ય ટનલ ઉપરાંત એક્સેસ રોડ, બ્રિજ, સ્નો ગેલેરી અને અન્ય સુરક્ષા માળખાનો સમાવેશ થાય છે.

ભારતનો સૌથી ઊંડો વર્ટિકલ શાફ્ટ

ઝોજિલા ટનલની સૌથી મોટી એન્જિનિયરિંગ વિશેષતા તેની અદ્યતન વેન્ટિલેશન સિસ્ટમ છે. ટનલમાં હવાની અવરજવર જાળવવા અને ઈમર્જન્સી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે ત્રણ વિશાળ વર્ટિકલ શાફ્ટ બનાવવામાં આવ્યા છે. આમાંથી સૌથી મોટો શાફ્ટ 474.3 મીટર ઊંડો છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી ઊંડો વર્ટિકલ શાફ્ટ ગણાય છે. અન્ય બે શાફ્ટ અનુક્રમે 367.38 મીટર અને 213.5 મીટર ઊંડા છે. આ શાફ્ટ ટનલની અંદર ઓક્સિજન પુરવઠો જાળવવા, ધુમાડો બહાર કાઢવા અને કટોકટીના સમયે બચાવ કામગીરી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં લાગશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા: આપ્યું મોટું સન્માન, કારણ જાણીને દરેક ભારતીયને થશે ગર્વ

કુદરત સામેનો કઠિન સંઘર્ષ

હિમાલયના અત્યંત પડકારજનક ભૂપ્રદેશમાં આ ટનલનું નિર્માણ એન્જિનિયરિંગ માટે મોટી કસોટી સાબિત થયું છે. શિયાળામાં માઈનસ 20થી માઈનસ 40 ડિગ્રી સુધી તાપમાન ઘટી જતું હોવાથી શ્રમિકો અને એન્જિનિયરોને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું પડ્યું હતું. હિમપ્રપાત, ભૂસ્ખલન અને સતત બદલાતી ખડકની રચના વચ્ચે ખોદકામનું કાર્ય આગળ વધારવામાં આવ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત ભારે હિમપ્રપાતને કારણે કામચલાઉ વિક્ષેપ પણ સર્જાયા હતા. તેમ છતાં ભારતીય એન્જિનિયરોએ આધુનિક ટેકનોલોજી અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)ની મદદથી પ્રોજેક્ટને આગળ ધપાવ્યો હતો.

લદ્દાખ માટે જીવનદોરી સાબિત થશે

હાલમાં ઝોજિલા પાસ પાર કરવામાં ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે અને ખરાબ હવામાનમાં મુસાફરી વધુ મુશ્કેલ બની જાય છે. ટનલ શરૂ થયા બાદ મુસાફરીનો સમય ઘટીને માત્ર 15થી 30 મિનિટ જેટલો રહી જશે. આથી લદ્દાખમાં ખાદ્યસામગ્રી, દવાઓ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો વર્ષભર જાળવી શકાશે. સાથે જ સ્થાનિક લોકોને શિયાળામાં ઊંચા એરફેર અને અવરજવર સંબંધિત મુશ્કેલીઓમાંથી પણ રાહત મળશે.

ભારતીય સેના માટે ગેમ-ચેન્જર

ઝોજિલા ટનલનું સૌથી મોટું વ્યૂહાત્મક મહત્વ ભારતની સરહદી સુરક્ષા સાથે જોડાયેલું છે. લદ્દાખ વિસ્તાર ચીન અને પાકિસ્તાન બંનેની સરહદો સાથે જોડાયેલો હોવાથી અહીં વર્ષભર સૈન્ય પુરવઠો જાળવવો જરૂરી બને છે. ટનલ કાર્યરત થયા બાદ ભારતીય સેના કોઈપણ ઋતુમાં ઝડપી ગતિએ જવાનો, હથિયારો અને લોજિસ્ટિક સપોર્ટ લદ્દાખ સુધી પહોંચાડી શકશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રોજેક્ટ ભારતની રક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને સરહદી વિસ્તારોમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે મદદરૂપ બનશે.

આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન સરહદે પોલીસની મોટી કાર્યવાહી: ટ્રાવેલ બસમાંથી ₹4 કરોડના સોના-ચાંદીના દાગીના જપ્ત, 3ની ધરપકડ

પ્રવાસન અને અર્થતંત્રને મળશે વેગ

ઝોજિલા ટનલ માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે પણ આશીર્વાદ સમાન સાબિત થશે. સોનમર્ગ, કારગિલ, દ્રાસ અને લેહ જેવા વિસ્તારો વર્ષભર પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. સ્થાનિક હોટલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ વ્યવસાય, વેપારીઓ અને નાના ઉદ્યોગોને તેનો સીધો લાભ મળશે. ઉપરાંત પરિવહન ખર્ચમાં ઘટાડો થતાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ વધુ સ્થિર રહેવાની શક્યતા છે.

2028 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થશે ટનલ

9 જૂન 2026ના અંતિમ બ્રેકથ્રુ બાદ ટનલના આંતરિક લાઇનિંગ, રોડ સરફેસિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, CCTV, વેન્ટિલેશન અને સુરક્ષા પરીક્ષણ જેવા કામો હાથ ધરવામાં આવશે. વર્તમાન સમયરેખા મુજબ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી 2028 સુધીમાં ઝોજિલા ટનલ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે તૈયાર થઈ જશે. ત્યારબાદ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે વર્ષભર કનેક્ટિવિટીનું દાયકાઓ જૂનું સ્વપ્ન હકીકતમાં બદલાઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now