Home Health-lifestyle Worlds Most Expensive Geisha Coffee One Cup Price 57 Thousand Know Speciality

દુનિયાની સૌથી મોંઘી કોફી : એક કપની કિંમત રૂ.57,000! જાણો શું છે આટલી મોંઘી કોફીની ખાસિયત

Most Expensive Geisha Coffee
Image Credit: www.haymancoffee.www.com
Published by: Nirali Gohil
Last Updated: Jun 02, 2026, 03:00 AM IST

દુબઈ: કોફી પ્રેમીઓ માટે વિશ્વભરમાં અનેક વેરાયટી ઉપલબ્ધ છે, પરંતુ શું તમે ક્યારેય એવી કોફી વિશે સાંભળ્યું છે જેના એક કપની કિંમત એક સામાન્ય વ્યક્તિના મહિનાના પગાર કરતાં પણ વધારે હોય? પનામામાં ઉગાડવામાં આવતી 'ગેશા કોફી' (Geisha Coffee) એ હાલમાં વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. વર્ષ 2025માં આ કોફીએ વિશ્વ રેકોર્ડ બનાવીને લક્ઝરી પીણાની દુનિયામાં એક નવી ઓળખ ઊભી કરી છે. આ માત્ર એક કોફી નથી, પરંતુ દુનિયાના ધનિક લોકો માટે પ્રતિષ્ઠા અને લક્ઝરી અનુભવનું પ્રતીક બની ચૂકી છે.

પરફેક્ટ ડેઇલી ગ્રાઇન્ડના અહેવાલ મુજબ, દુબઈના પ્રખ્યાત 'રોસ્ટર્સ સ્પેશિયાલિટી કોફી હાઉસ'માં ગેશા કોફીના એક કપની કિંમત આશરે 57 હજાર રૂપિયા (680 ડોલર) જેટલી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેને વિશ્વની સૌથી મોંઘી કોફી તરીકે માન્યતા આપી છે. આ કોફીની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, 2025ની 'બેસ્ટ ઓફ પનામા' હરાજીમાં તેના એક કિલોગ્રામ બીન્સ માટે 25 લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી, જેણે એક નવો ઇતિહાસ રચ્યો છે.

આટલી મોંઘી કેમ છે આ કોફી?

આ કોફીની આસમાની કિંમત પાછળનું મુખ્ય કારણ તેની અત્યંત દુર્લભતા અને અજોડ ગુણવત્તા છે. આ કોફી તૈયાર કરવા માટે નિષ્ણાતોએ લગભગ 13 વર્ષ સુધી સતત સંશોધન અને મહેનત કરી છે. તે સામાન્ય કોફીની જેમ ગમે ત્યાં ઉગાડી શકાતી નથી. વિશ્વના ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં અને નિયંત્રિત પરિસ્થિતિઓમાં જ તેનું ઉત્પાદન થાય છે. પનામાના ચિરીક્વી વિસ્તારમાં આવેલા બોક્વેટના 'હેસિન્ડા લા એસ્મેરાલ્ડા' ફાર્મમાં ઉગાડવામાં આવેલી આ કોફીને આંતરરાષ્ટ્રીય જજિંગમાં 98 પોઈન્ટ મળ્યા છે, જે ગુણવત્તાના સ્કેલ પર સૌથી ઊંચો સ્કોર ગણાય છે.

કોફી પીરસવાની અનોખી રીત

દુબઈના સ્પેશિયાલિટી કોફી હાઉસમાં આ કોફીને સામાન્ય રીતે નથી પીરસવામાં આવતી. તેને તૈયાર કરવા માટે ખાસ 'હેરિયો V60' (Hario V60) મશીનનો ઉપયોગ થાય છે અને તેને 'એડો કિરીકો' ક્રિસ્ટલ ગ્લાસમાં પીરસવામાં આવે છે. પ્રોજેક્ટ ઝીરો કોફીના સ્થાપક કિર્ક પિયર્સનના જણાવ્યા અનુસાર, દુબઈમાં ધનિક વર્ગ માટે આટલી કિંમતી કોફીનો અનુભવ લેવો એ એક સ્ટેટસ સિમ્બોલ છે. ઘણી મોટી કંપનીઓ પોતાના ખાસ મહેમાનોને પ્રભાવિત કરવા માટે પણ આ કોફીનો ઉપયોગ કરે છે.

સ્વાદમાં કેવી હોય છે ગેશા કોફી?

ગેશા કોફીનો સ્વાદ સામાન્ય કોફીથી તદ્દન અલગ અને બહુપરિમાણીય છે. કોફી નિષ્ણાતોના મતે, આ કોફીમાં લીલાક, કોકો, ટેન્જેરીન, જરદાળુ અને ચંદન જેવી સુગંધ તથા સ્વાદની અનુભૂતિ થાય છે. ગરમ કોફીમાં જાસ્મીન જેવી આકર્ષક સુગંધ હોય છે, જ્યારે કોફી ઠંડી થતાં તેમાં કેરી અને લીચી જેવા ઉષ્ણકટિબંધીય ફળોનો સ્વાદ વધુ સ્પષ્ટ બને છે.

આ કોફીનો ક્રેઝ માત્ર દુબઈ પૂરતો સીમિત નથી. તાઇવાન અને જાપાન જેવા દેશોમાં પણ આ કોફીના એક કપ માટે લોકો 60 હજારથી 85 હજાર રૂપિયા સુધી ચૂકવવા તૈયાર જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આબોહવા પરિવર્તન અને દુર્લભ કોફી બીન્સની વધતી જતી અછતને કારણે આવનારા સમયમાં આ કોફીની કિંમતોમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now