Vedavati-Ravan Connection: રામાયણની પવિત્ર કથા અને અસુરો ના રાજા રાવણના પતન વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ રાવણના મૃત્યુ પાછળ માત્ર માતા સીતાનું અપહરણ જ નહીં, પણ વર્ષો જૂનો એક ભયાનક શ્રાપ જવાબદાર હતો. પૌરાણિક માન્યતા અનુસાર, રાવણનો અંત શ્રીરામના હાથે થવો એ વિધિના લેખ હતા, પરંતુ તેની પટકથા વર્ષો પહેલાં જ વેદવતી નામની એક તપસ્વી કન્યાએ લખી નાખી હતી. વેદવતી વાસ્તવમાં દેવી લક્ષ્મીના જ એક અવતાર હતા, જેમણે રાવણના અત્યાચાર સામે પોતાની આહુતિ આપીને તેને શ્રાપ આપ્યો હતો કે તે પોતે જ રાવણના કુળના વિનાશનું કારણ બનશે.
એવું કહેવાય છે કે, વેદવતી એ જ બીજા જન્મમાં રાજા જનકની પુત્રી અને ભગવાન રામની પત્ની દેવી સીતા તરીકે અવતર્યા હતા. રાવણ જે સીતાજીને પોતાની જીત માનતો હતો, તે હકીકતમાં તેના મૃત્યુનો શ્રાપ બનીને લંકા પહોંચ્યા હતા. આ કથા માત્ર એક પૌરાણિક પ્રસંગ નથી, પરંતુ તે સમજાવે છે કે કેવી રીતે પાપનો ઘડો ભરાય ત્યારે કુદરત કોઈને પણ છોડતી નથી. ચાલો જાણીએ, કેવી રીતે એક સન્નારીનું અપમાન રાવણ માટે કાળ બની ગયું.
વેદવતી કોણ હતી? ભગવાન વિષ્ણુ સાથેનો તેમનો અતૂટ પ્રેમ
વેદવતી બ્રહ્મર્ષિ કુશધ્વજની અત્યંત સુંદર અને તેજસ્વી પુત્રી હતી. નાનપણથી જ વેદોનું જ્ઞાન હોવાને કારણે તેનું નામ વેદવતી રાખવામાં આવ્યું હતું. તે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત હતી અને તેમને જ પોતાના પતિ તરીકે મેળવવા માટે જંગલમાં કઠોર તપસ્યા કરી રહી હતી. વિષ્ણુ ભક્તિમાં લીન વેદવતીની શ્રદ્ધાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને દર્શન આપ્યા હતા અને વચન આપ્યું હતું કે આ જન્મમાં નહીં પરંતુ આગામી જન્મમાં તેઓ ચોક્કસપણે વિષ્ણુજીના પત્ની બનશે.
રાવણની કુદ્રષ્ટિ અને વેદવતીનો ભયાનક શ્રાપ
એક દિવસ જ્યારે વેદવતી એકાંતમાં તપસ્યા કરી રહી હતી, ત્યારે ત્યાંથી પસાર થતા રાવણની નજર તેના પર પડી. વેદવતીની અપ્રતિમ સુંદરતા જોઈને રાવણ કામવાસનામાં અંધ થઈ ગયો અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે વેદવતીએ મનાઈ કરી ત્યારે અહંકારી રાવણે તેને વાળ પકડીને ખેંચવાની કોશિશ કરી હતી. રાવણના આ દુસ્સાહસથી ક્રોધિત થઈને વેદવતીએ પોતાના વાળ કાપી નાખ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં કૂદી પડી. અગ્નિમાં ભસ્મ થતા પહેલા તેણે રાવણને શ્રાપ આપ્યો કે, "તેં મારી પવિત્રતા ભંગ કરવાની કોશિશ કરી છે, હવે હું બીજા જન્મમાં તારા અને તારા સમગ્ર સામ્રાજ્યના વિનાશનું કારણ બનીશ."
સીતાજી તરીકે પુનર્જન્મ અને રાવણનો સંહાર
વેદવતીએ આપેલું વચન અને શ્રાપ ખાલી જઈ શકે તેમ નહોતું. તે જ વેદવતીએ મિથિલાના રાજા જનકના ખેતરમાંથી 'સીતા' તરીકે જન્મ લીધો. ભગવાન વિષ્ણુએ પણ રામ અવતાર ધારણ કર્યો અને સીતાજી સાથે લગ્ન કર્યા. જ્યારે રાવણે કપટથી સીતાજીનું અપહરણ કર્યું, ત્યારે હકીકતમાં તે સીતાજીના રૂપમાં વેદવતીના શ્રાપને જ પોતાની લંકામાં લઈ ગયો હતો. અંતે શ્રીરામે રાવણનો વધ કર્યો અને આ રીતે વેદવતીએ સીતાજીના રૂપમાં પોતાનો શ્રાપ પૂર્ણ કર્યો.



















