મુંબઈ: ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝની આગામી ફિલ્મ 'સતલુજ'ની જાહેરાત બાદ જસવંત સિંહ ખાલરા ફરી ચર્ચામાં આવ્યા છે. આ ફિલ્મ શીખ માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન અને તેમની લડત પરથી પ્રેરિત હોવાનું કહેવાય છે. પંજાબમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન થયેલી કથિત ગેરકાયદે હત્યાઓ અને અજાણી લાશોના અંતિમ સંસ્કારના કેસને ઉજાગર કરવાના કારણે ખાલરા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા હતા.
કોણ હતા જસવંત સિંહ ખાલરા?
જસવંત સિંહ ખાલરા પંજાબના માનવાધિકાર કાર્યકર અને શીખ સંગઠન સાથે જોડાયેલા હતા. 1990ના દાયકામાં તેમણે પંજાબ પોલીસ દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ગેરકાયદે એન્કાઉન્ટર અને અજાણ્યા લોકોના અંતિમ સંસ્કાર અંગે મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. તેમના દાવા મુજબ હજારો લોકોના મૃત્યુ બાદ તેમની ઓળખ જાહેર કર્યા વિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
1995માં અપહરણ, બાદમાં હત્યાનો આરોપ
6 સપ્ટેમ્બર 1995ના રોજ જસવંત સિંહ ખાલરાનું તેમના ઘર નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી ગુમ રહ્યા. બાદમાં તપાસમાં સામે આવ્યું કે તેમનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.
વર્ષો સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ અનેક પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસને ભારતના સૌથી ચર્ચિત માનવાધિકાર કેસોમાંનો એક માનવામાં આવે છે.
દિલજીત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'
દિલજીત દોસાંઝની આગામી ફિલ્મ 'સતલુજ' જસવંત સિંહ ખાલરાના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મ 1980 અને 1990 ના દાયકામાં પંજાબમાં થયેલા કાળા દોરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાનું પાત્ર ભજવી રહ્યા છે, જેમણે પંજાબમાં ઉગ્રવાદ દરમિયાન ગાયબ થયેલા 25,000 થી વધુ યુવાનો અને બિનવારસી લાશોના ગેરકાયદેસર અગ્નિસંસ્કારના મામલાની તપાસ કરી હતી. સત્યની શોધમાં નીકળેલા આ એક સામાન્ય બેંક કર્મચારીની હિંમત અને ન્યાય માટેની લડાઈ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
નામ બદલવાનો વિવાદ:
આ ફિલ્મનું નામ ત્રણ વખત બદલવામાં આવ્યું છે. સૌથી પહેલાં આ ફિલ્મનું નામ 'ઘલ્લુઘારા' (Ghalughara) રાખવામાં આવ્યું હતું (જે પંજાબી ઇતિહાસમાં શીખોના નરસંહાર માટે વપરાતો શબ્દ છે). સેન્સર બોર્ડના વાંધા બાદ તેનું નામ બદલીને 'પંજાબ 95' (Punjab 95) કરાયું. છેવટે, રિલીઝ વખતે પંજાબની પ્રખ્યાત નદી પરથી તેનું નામ 'સતલુજ' રાખવામાં આવ્યું.
કોઈપણ કટ વગર 'અનકટ' રિલીઝ:
દિલજીત દોસાંજે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ખુલાસો કર્યો કે આ ફિલ્મ ZEE5 પર કોઈપણ કટ કે બાંધછોડ વગર, તેના મૂળ સ્વરૂપમાં (Uncut Version) રિલીઝ કરવામાં આવી છે. દિલજીતે જણાવ્યું કે જો ફિલ્મમાં એક પણ કટ મૂકવામાં આવ્યો હોત, તો તેઓ આ ફિલ્મનું પ્રમોશન ન કરત.
ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાંથી છેલ્લી ઘડીએ હટાવાઈ:
2023માં કેનેડાના પ્રતિષ્ઠિત 'ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ' (TIFF)માં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થવાનું હતું, પરંતુ રાજકીય દબાણ અને વિવાદોના કારણે પ્રીમિયરના બરાબર એક દિવસ પહેલાં જ ફિલ્મને લાઇનઅપમાંથી હટાવી દેવામાં આવી હતી.
વાસ્તવિક ઘટના પર આધારિત અંત:
વાસ્તવિક જીવનમાં, સપ્ટેમ્બર 1995માં જસવંત સિંહ ખાલરાનું અમૃતસરથી રહસ્યમય સંજોગોમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની હત્યા કરી દેવાઈ હતી. વર્ષ 2005માં આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.





