Home National Visakhapatnam Steel Plant Accident Compensation And Independent Inquiry

વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટ દુર્ઘટના બાદ રાહત પેકેજની જાહેરાત : મૃતકોના પરિવારને રૂ.25 લાખ અને નોકરીની જાહેરાત, કેન્દ્ર સરકારે બેસાડી સ્વતંત્ર તપાસ

Visakhapatnam Steel Plant Accident
Image Credit: Twitter
Published by: Nirali Gohil
Last Updated: Jun 09, 2026, 06:52 AM IST

Visakhapatnam Steel Plant Accident: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL)ના સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ મૃતક કર્મચારીઓના પરિવારજનોને રૂ.25 લાખની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ કર્મચારીઓ માટે પણ વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલા સ્ટીલ સાથે થયેલા વિસ્ફોટમાં 8 કર્મચારીઓના જીવ ગયા હતા અને 6 અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સ્વતંત્ર તપાસના આદેશ પણ આપ્યા છે.

મધરાતે વિશાખાપટ્ટનમ પહોંચ્યા કુમારસ્વામી

દુર્ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય સ્ટીલ મંત્રી એચ.ડી. કુમારસ્વામી મંગળવારે વહેલી સવારે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. તેમણે RINLના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરીને ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી.

બાદમાં તેમણે શીલાનગર સ્થિત KIMS હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. મંત્રીએ ઘાયલોની તબિયત અંગે માહિતી મેળવી હતી અને હોસ્પિટલ તંત્રને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતા.

મૃતકોના પરિવાર માટે મોટી સહાય

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક કર્મચારીના પરિવારને રૂ.25 લાખની અનુદાન સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીને મળવાપાત્ર તમામ સેવા લાભો પણ પરિવારને ચૂકવવામાં આવશે. સરકારે મૃતકોના પરિવારના એક પાત્ર સભ્યને કાયમી નોકરી આપવાની પણ જાહેરાત કરી છે, જેથી પરિવારને આર્થિક રીતે લાંબા ગાળે સહારો મળી રહે.

આ પણ વાંચો: Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં મોટી દુર્ઘટના: પીગળેલું સ્ટીલ જમીન પર પડતાં આગ લાગી; 8 લોકોના કરૂણ મોત

ઘાયલ કર્મચારીઓ માટે રૂ.10 લાખની સહાય

દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે રૂ.10 લાખની વિશેષ સહાય જાહેર કરી છે. સાથે જ તેમની સારવારનો તમામ ખર્ચ RINL દ્વારા ઉઠાવવામાં આવશે. સરકારે ઘાયલ અને મૃતક કર્મચારીઓના બાળકોના શિક્ષણની જવાબદારી પણ ઉઠાવવાની ખાતરી આપી છે. ઉપરાંત પરિવારોને પુનર્વસન અને કલ્યાણ સંબંધિત તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

સ્વતંત્ર તપાસ સમિતિની રચના

દુર્ઘટનાના કારણો જાણવા માટે RINL દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે ઘટનાની ગંભીરતાને જોતા સ્ટીલ મંત્રાલયે અલગથી ત્રણ સભ્યોની સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)ના બોકારો સ્ટીલ પ્લાન્ટના ડિરેક્ટર-ઇન-ચાર્જ કરશે. સમિતિ દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સલામતી સૂચનો આપશે.

કેવી રીતે સર્જાઈ હતી ભયાનક દુર્ઘટના?

પ્રાથમિક તપાસ મુજબ, સોમવારે સાંજે લગભગ 4:15 વાગ્યે સ્ટીલ મેલ્ટ શોપ-1ના કાસ્ટર-2 યુનિટમાં કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કર્મચારીઓ પીગળેલા કાચા સ્ટીલને લેડલમાંથી ટન્ડિશમાં ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર સ્લાઇડ ગેટ ખોલવામાં આવે તે પહેલાં જ અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઓવરહેડ ક્રેન-2 સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો: જલગાંવમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ગુજરાતના એક જ પરિવારના 5 સભ્યોના મોત, સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો

1,500 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે મુશ્કેલ બન્યું રેસ્ક્યૂ

ઘટના સમયે પીગળેલા સ્ટીલનું તાપમાન 1,500 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. આ કારણે બચાવ કામગીરી હાથ ધરવામાં ભારે મુશ્કેલી પડી હતી. અતિશય ગરમી અને આગના કારણે રેસ્ક્યૂ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગ્યો હતો. જોકે ફાયર વિભાગ અને પ્લાન્ટની ઈમર્જન્સી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

સલામતી વ્યવસ્થાઓ પર ઊઠ્યા સવાલ

આ દુર્ઘટના બાદ દેશના સૌથી મહત્વપૂર્ણ સ્ટીલ પ્લાન્ટોમાંથી એક ગણાતા વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટની સલામતી વ્યવસ્થાઓ પર પણ સવાલો ઊભા થયા છે. કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે, કર્મચારીઓની સુરક્ષા અને કલ્યાણ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ખાતરી આપી કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now