ગરમીના દિવસોમાં ઘરમાં પાણીનું માટલું રાખવું માત્ર પરંપરા નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને ઊર્જા બંને માટે લાભદાયક છે. પરંતુ શું તમે જાણો છો કે માટલું કઈ દિશામાં રાખો છો તે તમારા ઘરની સમૃદ્ધિ અને પોઝિટિવ એનર્જી પર અસર કરે છે? વાસ્તુ શાસ્ત્ર મુજબ યોગ્ય જગ્યાએ રાખેલું માટલું જીવનમાં સુખ અને આર્થિક સ્થિરતા લાવી શકે છે.
ભારતીય ઘરોમાં પાણીનું માટલું સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. માટીમાં રાખેલું પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ માટલું માત્ર પાણી સંગ્રહવાનું સાધન નથી તે ઘરની ઊર્જા સાથે સીધું જોડાયેલું છે. જો માટલું યોગ્ય દિશામાં રાખવામાં આવે, તો તે ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે અને નકારાત્મક ઊર્જાને ઘટાડે છે. આ સાથે આર્થિક સ્થિરતા અને શાંતિમાં પણ વધારો થાય છે.
માટલું રાખવાની સાચી દિશા
વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીનું માટલું હંમેશા ઘરની ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશાને ‘ઈશાન કોણ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશામાં માટલું રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
કઈ દિશામાં માટલું ન રાખવું
માટલું ક્યારેય દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ. આ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ ઊભો થાય છે, જે આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તે ઉપરાંત, બાથરૂમની નજીક અથવા સીડીઓ નીચે માટલું રાખવું પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ જગ્યાઓ નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી છે.
માટલું ખાલી ન રાખવું
વાસ્તુ અનુસાર પાણીનું માટલું ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. ખાલી માટલું જીવનમાં ખાલીપણું અને અછતનું પ્રતિક માનવામાં આવે છે. હંમેશા માટલું પાણીથી ભરેલું રાખવાથી ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે છે. સાથે જ તેની આસપાસ સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે.
તૂટેલું માટલું રાખવાથી નુકસાન
ઘરમાં તૂટેલું અથવા ચીર પડેલું માટલું રાખવું અશુભ ગણાય છે. આ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. જો માટલામાંથી પાણી ટપકે છે, તો તે ધનના નુકસાનનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તરત જ તેને બદલી દેવું જોઈએ.
માટલું ખરીદવાનો શુભ દિવસ
વાસ્તુ મુજબ બુધવાર અને ગુરુવાર માટલું ખરીદવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસોમાં ખરીદેલું માટલું સકારાત્મક પરિણામ આપે છે. મંગળવાર અને શનિવારે માટલું ખરીદવું ટાળવું જોઈએ. વૈશાખ મહિનામાં માટલું ખરીદવું અને દાન કરવું બંને ખૂબ શુભ માનવામાં આવે છે.
નવું માટલું ઘરે લાવ્યા પછી શું કરવું?
નવું માટલું ઘરે લાવ્યા પછી તેનો સીધો ઉપયોગ ન કરવો જોઈએ.
પહેલા તેને સારી રીતે સાફ કરો
ગંગાજળનો છાંટો કરો
પ્રથમ વખત ભરેલું પાણી છોડમાં વાપરો
આ પછી જ તેનો પીવાના પાણી માટે ઉપયોગ કરવો જોઈએ. આ પ્રક્રિયા માટલાને શુદ્ધ બનાવે છે.






