પરીક્ષાઓનો પ્રારંભ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ચિંતા અને માનસિક દબાણ વધવા લાગે છે. આ સમયગાળા દરમિયાન સખત મહેનતની સાથે જો વાસ્તુશાસ્ત્રના કેટલાક સરળ નિયમોનું પાલન કરવામાં આવે તો બાળકોની એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉત્તમ પરિણામ મેળવવા માટે કર્મ કરવું સૌથી અનિવાર્ય છે પરંતુ વાસ્તુ મુજબ આસપાસનું વાતાવરણ હકારાત્મક રાખવાથી બુદ્ધિ તેજ બને છે અને મન અભ્યાસમાં પરોવાયેલું રહે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂચવવામાં આવેલા કેટલાક અસરકારક ઉપાયો નીચે મુજબ છે જે વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
બાળકોના અભ્યાસ ખંડમાં રંગોની પસંદગી અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. જો રૂમમાં નકારાત્મકતા હોય તો વિદ્યાર્થીનું મન વિચલિત થાય છે અને તે લાંબો સમય વાંચન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. વાસ્તુ મુજબ સ્ટડીરૂમમાં લીલો રંગ કરાવવો અત્યંત લાભદાયી છે. જો રૂમનો રંગ બદલવો શક્ય ન હોય તો લીલા પોપટની કોઈ સકારાત્મક તસવીર રૂમમાં લગાવી શકાય છે. જ્યોતિષમાં લીલો રંગ બુધ ગ્રહ સાથે સંબંધિત છે જે બુદ્ધિ, વાણી, સ્મરણશક્તિ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. આ રંગના પ્રભાવથી વિદ્યાર્થીની ગ્રહણશક્તિમાં સુધારો થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે અને અભ્યાસ માટે ટેબલની ગોઠવણી પણ તે મુજબ હોવી જોઈએ. શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે સ્ટડી ટેબલ હંમેશા ઈશાન ખૂણો, પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. પુસ્તકો રાખવા માટેના રેકને પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ગોઠવવા યોગ્ય ગણાય છે. એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે સ્ટડી ટેબલ ક્યારેય દીવાલને અડીને ન હોવું જોઈએ કારણ કે તેને વાસ્તુદોષ માનવામાં આવે છે. ટેબલ અને દીવાલ વચ્ચે થોડી જગ્યા રાખવાથી ઉર્જાનો પ્રવાહ અવરોધાતો નથી.
વિદ્યાર્થીઓએ પોતાના સ્ટડી ટેબલ પર ભગવાન ગણેશ અથવા વિદ્યાની દેવી સરસ્વતી માતાની નાની પ્રતિમા રાખવી જોઈએ જેનાથી આશીર્વાદ અને સકારાત્મકતા બની રહે છે. આ ઉપરાંત ટેબલ પર ગ્લોબ અથવા તાંબાનો પિરામિડ રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને આસપાસનું વાતાવરણ અભ્યાસ માટે અનુકૂળ બને છે. જ્યારે વાતાવરણ પવિત્ર અને ઉર્જાસભર હોય ત્યારે બાળકોમાં વાંચવાની રુચિ વધે છે અને અંતે પરીક્ષામાં ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય છે.






