અમદાવાદ: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનું અસ્ત થવું અને ઉદય થવું એ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આગામી 12 માર્ચ 2026 થી સૌરમંડળના મહત્વના ગ્રહ ગણાતા વરુણ (Uranus) મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની અત્યંત નજીક આવે છે, ત્યારે તે પોતાની શક્તિ ગુમાવે છે અથવા દેખાતો બંધ થાય છે, જેને ગ્રહનું 'અસ્ત' થવું કહેવામાં આવે છે. વરુણ ગ્રહ અંદાજે 22 દિવસ સુધી એટલે કે 3 એપ્રિલ 2026 સુધી અસ્ત અવસ્થામાં રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ, વરુણનું અસ્ત થવું કેટલીક રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે, પરંતુ મેષ, સિંહ અને ધનુ રાશિ માટે આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો સાબિત નહીં થાય. આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ અને કરિયરમાં મોટી પ્રગતિ મળવાના પ્રબળ સંકેતો છે.
દ્રિક પંચાંગ મુજબ, 12 માર્ચ 2026 ના રોજ વરુણ ગ્રહ મીન રાશિમાં પોતાની તેજસ્વીતા ગુમાવશે. આ પરિવર્તનથી બ્રહ્માંડની ઊર્જામાં મોટો ફેરફાર આવશે. ખાસ કરીને જે લોકો વ્યવસાય કે નોકરીમાં લાંબા સમયથી પ્રગતિની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ 22 દિવસો ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
આ 3 રાશિઓ માટે ખુલી જશે નસીબના દ્વાર
1. મેષ રાશિ (Aries)
વરુણ ગ્રહના અસ્ત થવાને કારણે મેષ રાશિના જાતકો માટે આગામી સમય અત્યંત સકારાત્મક રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તેમને લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે અથવા અચાનક મોટો આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે. કરિયરની દ્રષ્ટિએ પણ નોકરીમાં નવા અને શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે, જ્યારે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને બમ્પર નફો મળી શકે છે. જોકે, વધતા આત્મવિશ્વાસ વચ્ચે ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવાથી બચવું અને દરેક નિર્ણય સમજી-વિચારીને લેવાની સલાહ આપવામાં આવે છે.
2. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના લોકો માટે પણ આ સમયગાળો સર્વોત્તમ સાબિત થશે, ખાસ કરીને જેઓ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ અનુકૂળ સમય છે અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં મોટા ફાયદા કરાવશે. સામાજિક સ્તરે માન-સન્માનમાં વધારો થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસ કે લાંબા અંતરની યાત્રાના યોગ પણ બની રહ્યા છે જે પ્રગતિના નવા દ્વાર ખોલશે.
3. ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના જાતકો માટે વરુણના અસ્ત થવાના ૨૨ દિવસો અનેક સુખદ ફેરફારો લઈને આવશે. ખાસ કરીને શેરબજાર કે અન્ય જૂના રોકાણોમાંથી અણધાર્યો આર્થિક ફાયદો થવાની સંભાવના છે અને આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. આ સમયગાળામાં તમે માનસિક રીતે વધુ મજબૂત અને શાંતિનો અનુભવ કરશો, જેમાં પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમયગાળો સફળતાના નવા શિખરો સર કરાવનારો બની રહેશે.
શું હોય છે ગ્રહનું 'અસ્ત' થવું?
જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની એક નિશ્ચિત અંશ (Degree) ની અંદર આવી જાય છે, ત્યારે સૂર્યના પ્રચંડ તેજ સામે તે ગ્રહ નિષ્પ્રભ થઈ જાય છે. આ સ્થિતિને 'ગ્રહ અસ્ત' કહેવામાં આવે છે. વરુણ ગ્રહ પરિવર્તન અને નવીનતાનો કારક છે, તેથી તેનું અસ્ત થવું જૂની સમસ્યાઓનો અંત લાવી શકે છે.



















