Home Gujarat Vadodara Vadodara Taluka Panchayat New President Bjp

વડોદરા તાલુકા પંચાયતમાં ભાજપનું નવું શાસન : પૂનમ જાધવ પ્રમુખ અને વનિતા ટાટોડ ઉપપ્રમુખ બન્યા

વડોદરામાં જીતેલા જાધવ પ્રમુખ અને વનિતા ટાટોડ
Published by: Chintan Chavda
Last Updated: May 24, 2026, 09:05 AM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ વડોદરા તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો સંભાળવા માટે નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા તેજ બની છે. આ વખતે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SCBC)ના રોટેશન રિઝર્વેશન મુજબ નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના સત્તાવાર મેન્ડેટ અનુસાર, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ ઉર્ફે બી.જે. બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પક્ષના મોવડીમંડળ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ, વડોદરા તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદ માટે કોયલી-1 બેઠકના સભ્ય પૂનમ જાધવની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે વનિતા ટાટોડના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, પંચાયતના વહીવટ અને આર્થિક નિર્ણયોની ચાવી સમાન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરની વરણી કરાઈ છે. શાસક પક્ષના દંડક (વ્હીપ) તરીકે પુંજીબેન રબારી અને તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટના જસદણ નજીક ગોઝારો અકસ્માત : બે પિતરાઈ ભાઈઓનાં મોત

ભવ્ય બહુમતીનું ગણિત: 30 માંથી 29 બેઠકો પર ભાજપનો કબ્જો

વડોદરા તાલુકા પંચાયતના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, અહીં કુલ 30 બેઠકો આવેલી છે. તાજેતરની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને 29 બેઠકો પર વિજયધ્વજ લહેરાવ્યો છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતાબેન પરમાર કાર્યરત હતા. તેમની મુદ્દત પૂર્ણ થતાં આ વખતે અનામતના નિયમ મુજબ પૂનમભાઈ જાધવને કમાન સોંપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ : આગામી દિવસોમાં 40°Cથી વધુ તાપમાનની આગાહી

આવતીકાલે વિધિવત પદભાર ગ્રહણ કરશે

જિલ્લા ભાજપ સંગઠને નવી ટીમ સાથે વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવાનો અને સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પક્ષ તરફથી નામોની જાહેરાત થઈ ગયા બાદ, હવે તમામ ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે અને આવતીકાલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કરશે. નવનિયુક્ત હોદ્દેદારોને પક્ષના કાર્યકરો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now