ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકાથી સક્રિય રહેલી અભિનેત્રી ઉલ્કા ગુપ્તાએ પોતાના શરૂઆતના સંઘર્ષ અને રંગભેદના અનુભવો અંગે ખુલ્લેઆમ વાત કરી છે. બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ઉલ્કાએ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવવો તેમના માટે સહેલો નહોતો, કારણ કે ઘણી વખત તેમને માત્ર તેમના શ્યામવર્ણને કારણે નકારી દેવામાં આવતાં હતા.
ઉલ્કા ગુપ્તાએ 2006માં પ્રસારિત થયેલા લોકપ્રિય ટીવી શો રેશમ ડંખથી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ સફળતા સુધી પહોંચતા પહેલાં તેમણે અનેક ઓડિશન આપ્યા અને સતત અસ્વીકારનો સામનો કર્યો. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા ઓડિશનમાં બહાર સ્પષ્ટ રીતે લખેલું હતું કે ફક્ત ગોરા બાળકો માટે.
અભિનેત્રીએ કહ્યું કે તે સમય તેમના માટે માનસિક રીતે ખૂબ જ કઠિન હતો. તેઓ અંધેરીથી વર્લી સુધી લાંબા અંતર સુધી માત્ર એક તક માટે જતાં પરંતુ રંગનાં કારણે તરત જ નકારી દેવામાં આવતાં. “મને કહેવામાં આવતું કે અમે માત્ર ‘અપ-માર્કેટ’ બાળકોને જ કાસ્ટ કરીએ છીએ. હું વિનંતી કરતી કે ઓછામાં ઓછું ઓડિશન તો આપવા દો,”
‘સાત ફેરે’એ બદલ્યો આત્મવિશ્વાસ
સાત ફેરે, સલોણી કા સફરમાં સાવની સિંહના પાત્રથી ઉલ્કાને વિશેષ ઓળખ મળી. આ શોએ રંગભેદના મુદ્દાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કર્યો હતો. ઉલ્કા માને છે કે આ સિરિયલથી તેમને વિશ્વાસ મળ્યો કે શ્યામવર્ણીય યુવતીઓ પણ મુખ્ય અભિનેત્રી તરીકે સ્વીકાર્યતા મેળવી શકે છે અને દર્શકોની પ્રશંસા મેળવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તે સમયમાં મેકઅપ ઈન્ડસ્ટ્રીમાં પણ ગોરા રંગને વધુ પ્રાથમિકતા આપવામાં આવતી હતી. “મારા ચહેરા પર મારા મૂળ રંગથી બે-ત્રણ શેડ વધુ બેઝ લગાવવામાં આવતો હતો. મને લાગતું કે શું હું જેવી છું તેવી સારી નથી?” ઉલ્કાએ જણાવ્યું કે મેકઅપ પ્લેટમાં તેમના મૂળ રંગ સાથે મેળ ખાતો શેડ હાજર હોવા છતાં તેમને ઈચ્છાપૂર્વક વધુ ગોરા દેખાડવાનો પ્રયાસ થતો. આ અનુભવોએ તેમની અંદર ઘણી અસ્વસ્થતા અને અસુરક્ષા ઊભી કરી હતી.
આ પણ વાંચો: Cocktail 2 : રશ્મિકા મંદાના અને કૃતિ સેનન વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર 'કોલ્ડ વોર'
ગ્લેમરસ ઈમેજના માપદંડ સામેનો સંઘર્ષ
અભિનેત્રીના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન ટેલિવિઝનમાં લાંબા સમય સુધી ગોરા રંગવાળી અભિનેત્રીઓને જ “ગ્લેમરસ” માનવાની માનસિકતા હતી. તેના કારણે ઘણી વખત તેમને ગ્લેમરસ અથવા મુખ્ય પાત્રો માટે યોગ્ય ન ગણવામાં આવતાં. છતાં, તેમણે પોતાની પ્રતિભા અને મજબૂત અભિનયથી ધીમે ધીમે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું.
ઉલ્કા ગુપ્તા માત્ર ટીવી સુધી મર્યાદિત રહી નહોતી. અનેક સફળ ટીવી શો બાદ તેમણે ફિલ્મોમાં પણ પગલું મૂક્યું. તેઓ સિમ્બા, આંધ્ર પોરી અને ઓઢ – ધ એટ્રેક્શન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ પ્રોજેક્ટ્સ દ્વારા તેમણે હિન્દી, તેલુગુ અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન હજારો કરોડના છે માલિક : સંપત્તિની વહેંચણી અંગે સોશિયલ મીડિયામાં ઉઠી ચર્ચા
બદલાતી ઈન્ડસ્ટ્રી, પરંતુ પ્રશ્નો હજી યથાવત
ઉલ્કાના ખુલાસા ફરી એકવાર એ ચર્ચાને આગળ ધપાવે છે કે મનોરંજન જગતમાં આજેય દેખાવ અને રંગને લઈને એક નિશ્ચિત માનસિકતા અસ્તિત્વમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિમાં થોડો બદલાવ આવ્યો હોવા છતાં, અનેક કલાકારો ખુલ્લેઆમ સ્વીકારી રહ્યા છે કે રંગભેદ અને સૌંદર્યના પરંપરાગત માપદંડો હજુ પણ ઘણી જગ્યાએ અસર કરે છે. ઉલ્કા ગુપ્તાની સફર એ દર્શાવે છે કે પ્રતિભા, આત્મવિશ્વાસ અને સતત મહેનત દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના માટે જગ્યા બનાવી શકે છે, ભલે શરૂઆતમાં કેટલાય અવરોધો કેમ ન આવ્યા હોય.





