Home National Uddhav Thackeray Setback Six Mps Claim Support To Eknath Shinde Group

ઉદ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો : 9માંથી 6 બળવાખોર સાંસદોએ શિંદે જૂથનો રસ્તો પકડ્યો, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર

Uddhav Thackeray Shiv Sena Split
Play Video
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jun 17, 2026, 09:59 AM IST

Maharastra Politics: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) માટે ચિંતાજનક સમાચાર વચ્ચે પાર્ટીના 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથ સાથે જવાની તૈયારી દર્શાવી છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર આપીને સંસદમાં તેમને શિંદે જૂથના સાંસદ તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાક્રમ માત્ર શિવસેના (UBT) માટે જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 2022માં શિવસેનામાં થયેલા ઐતિહાસિક વિભાજન બાદ હવે સંસદીય સ્તરે પણ ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જો આ પ્રક્રિયાને સત્તાવાર માન્યતા મળે છે તો લોકસભામાં ઉદ્ધવ ઠાકરેની રાજકીય તાકાત વધુ નબળી પડી શકે છે.

આ 6 સાંસદોએ ઉદ્ધવનો સાથ છોડ્યો

લોકસભા સ્પીકરને પત્ર સોંપનારા સાંસદોમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે હવે માત્ર ત્રણ લોકસભા સાંસદો જ બાકી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને ઉદ્ધવ ઠાકરે માટે સૌથી મોટા સંસદીય પડકાર તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ!: ઉદ્ધવ ઠાકરેને મોટી રાહત, બળવાખોર ગણાતા બે સાંસદોએ જ પક્ષપલટાની અટકળો ફગાવી

દિલ્હીની બેઠકમાં સ્પષ્ટ થયા બળવાના સંકેતો

આ સમગ્ર ઘટનાક્રમ પહેલા જ દિલ્હીમાં શિવસેના (UBT) નેતા સંજય રાઉતના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પક્ષની અંદર અસંતોષ હોવાના સંકેતો મળી ગયા હતા. બેઠકમાં માત્ર અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે જ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 6 સાંસદોની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા હતા. ત્યારબાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે પક્ષમાં કોઈ મોટું ભંગાણ થઈ શકે છે. હવે સ્પીકરને પત્ર સોંપાતા તે અટકળો સાચી સાબિત થતી દેખાઈ રહી છે.

સંજય રાઉતનો બળવાખોરો પર આકરો પ્રહાર

બળવાખોર સાંસદોની હિલચાલ વચ્ચે સંજય રાઉતે પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ તમામ સાંસદો શિવસેનાના 'મશાલ' ચૂંટણી ચિહ્ન અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વના આધારે જીત્યા હતા. તેઓ કોઈ અન્ય વ્યક્તિના નામે ચૂંટાઈ આવ્યા નથી. રાઉતે વધુમાં જણાવ્યું કે, પક્ષે આ નેતાઓને જીતાડવા માટે તમામ સંસાધનો અને સંગઠનશક્તિનો ઉપયોગ કર્યો હતો. જો કોઈ નેતાએ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હોય તો તેને પહેલા સાંસદ પદેથી રાજીનામું આપવું જોઈએ. તેમણે ચેતવણીભર્યા સ્વરે કહ્યું કે, પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારાઓ સામે રાજકીય લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: શિવસેના (UBT)ના સાંસદોને તોડવાના પ્રયાસનો દાવો: સાંસદોને પક્ષ બદલવા 15-15 કરોડની ઓફરનો સંજય રાઉતનો આરોપ

મહારાષ્ટ્રની રાજનીતિમાં શું પડશે અસર?

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિવસેનાના બે જૂથો વચ્ચે રાજકીય ટક્કર સતત ચાલી રહી છે. એક તરફ એકનાથ શિંદેના નેતૃત્વવાળું જૂથ સત્તામાં છે, જ્યારે બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પોતાની રાજકીય જમીન બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે 6 સાંસદોના નિર્ણયથી લોકસભામાં ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ વધુ નબળી પડી શકે છે. બીજી તરફ શિંદે જૂથ માટે આ વિકાસ મોટો રાજકીય લાભ માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં લોકસભા સ્પીકર આ મામલે શું નિર્ણય લે છે અને તેનો મહારાષ્ટ્રના રાજકારણ પર શું પ્રભાવ પડે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now