Home Sports The Darkest Night In Cricket History Of The 1996 World Cup Which Indian Fans Will Never Forget

1996 વર્લ્ડ કપ; ટીમ ઈન્ડિયાનું સ્વપ્ન થયું ચકનાચૂર! : ક્રિકેટ ઈતિહાસની એ રાત, જે ભારતીય ફેન્સ ક્યારેય નહીં ભૂલે

1996 વર્લ્ડ કપ; ટીમ ઈન્ડિયાનું સ્વપ્ન થયું ચકનાચૂર!
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 06:44 AM IST

1996 World Cup : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કેટલીક જીત એવી હોય છે, જે હંમેશા ગર્વ આપે છે, પરંતુ કેટલીક હાર એવી પણ હોય છે, જેને યાદ કરતાં જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. 13 માર્ચ, 1996 ની એ રાત કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ માટે એક કાળો ડાઘ બની ગઈ હતી. વર્લ્ડ કપની સેમીફાઇનલમાં શ્રીલંકા સામે ભારતની જે રીતે હાર થઈ, તેને માત્ર ખેલાડીઓને જ નહીં પણ સમગ્ર દેશને આઘાતમાં સરી પાડ્યો હતો.

ઐતિહાસિક મેચની શરૂઆત

તે દિવસે ઈડન ગાર્ડન્સમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 1996 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ રમાઈ હતી. ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં ભારતની પકડ મજબૂત હતી, કારણ કે ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પહેલી જ ઓવરમાં શ્રીલંકાના બંને ઓપનરોને આઉટ કરી દીધા હતા. જોકે, અરવિંદ ડી સિલ્વાની 66 રન અને રોશન મહાનામાએ 58 રનની શાનદાર ઇનિંગની મદદથી શ્રીલંકાએ 251 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

સચિન તેંડુલકરનું શાનદાર પ્રદર્શન

ભારત માટે 252 રનનો ટાર્ગેટ હાંસલ કરવો અશક્ય ન હતો, કારણ કે સચિન તેંડુલકર તેના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં હતો. સચિન તેંડુલકરે ટુર્નામેન્ટમાં 2 સેન્ચુરી અને 2 હાફ-સેન્ચુરી ફટકારી હતી. સચિન તેંડુલકરે આક્રમક બેટિંગ કરતાં 65 રન બનાવી લીધા હતા અને ભારતનો સ્કોર એક સમયે 1 વિકેટે 98 રન હતો. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ખાતરી હતી કે, ભારત સરળતાથી ફાઇનલમાં પહોંચી જશે.

બેટિંગ લાઇનઅપનું પતન અને દર્શકોનો રોષ

સનથ જયસૂર્યાના બોલ પર સચિન તેંડુલકર સ્ટમ્પ આઉટ થયો. સચિન તેંડુલકરના આઉટ થયા મેચની સ્થિતિ અચાનક જ બદલાવવા લાગી અને ભારતીય બેટિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. ટીમે માત્ર 22 રન ઉમેરતા 7 વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતનો સ્કોર ટૂંક સમયમાં 120/8
થઈ ગયો. એક સમયે ભારત જીતની નજીક હોવા છતાં અચાનક હારની કગાર પર આવી ગયું હતું. ભારતની આવી ખરાબ હાલત જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો બેકાબૂ થઈ ગયા. ગુસ્સે ભરાયેલા લોકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું અને સ્ટેડિયમના સ્ટેન્ડમાં આગ લગાવી દીધી. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચ રોકવી પડી. આખરે મેચ રેફરી ક્લાઈવ લોયડે શ્રીલંકાને વિજેતા જાહેર કર્યું.

કાંબલીના અવિસ્મરણીય આંસુ

મેચ પૂરી થયા બાદ સૌથી હૃદયદ્રાવક દૃશ્ય વિનોદ કાંબલીનું હતું. કાંબલી 10 રન પર નોટઆઉટ હતો, પરંતુ તેની સામે આખી ટીમ આઉટ થઈ ગઈ. જ્યારે મેચ સમાપ્ત જાહેર કરવામાં આવી, ત્યારે કાંબલી મેદાનમાં જ નાના બાળકની જેમ રડી પડ્યો. રડતા રડતા ડ્રેસિંગ રૂમ તરફ જતાં કાંબલીનો એ ચહેરો આજે પણ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં કેદ છે.

વર્ષો પછીની વેદના

2011 ના એક ઇન્ટરવ્યુમાં, વિનોદ કાંબલીએ કહ્યું હતું કે, તે આજે પણ તે મેચને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેમણે કહ્યું, "આજે પણ, જ્યારે મારા રડવાના વીડિયો ટીવી પર બતાવવામાં આવે છે, ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. અમે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર ક્રિકેટ રમ્યા. અમે પાકિસ્તાનને હરાવ્યું, અને બધું સારું ચાલી રહ્યું હતું. પરંતુ સચિન તેંડુલકરના આઉટ થતાં જ બધું બદલાઈ ગયું. જો એક પણ બેટ્સમેન મારી સાથે રહ્યો હોત, તો અમે મેચ જીતી શક્યા હોત." 1996 નો વર્લ્ડ કપ સેમીફાઇનલ ક્રિકેટ ઇતિહાસની એવી મેચોમાંની એક છે, જેમાં સચિન તેંડુલકરનું શાનદાર પ્રદર્શન, ભારતીય ટીમના બેટિંગ ક્રમનું પતન અને દર્શકોનો ગુસ્સો બધું એકસાથે જોવા મળ્યું. શ્રીલંકા પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું અને ચાર દિવસ પછી ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઇટલ જીત્યું. પરંતુ ભારતીય ક્રિકેટ માટે, તે રાત હંમેશા "ઇડન ગાર્ડન્સની ડાર્ક નાઇટ" તરીકે યાદ રાખવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now