NEET Paper Leak Telegram Ban Delhi High Court: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે. આગામી 21 જૂને યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો અને ઠગો ટેલિગ્રામનો ઉપયોગ કરીને નકલી પ્રશ્નપત્રોને અસલી NEET પેપર તરીકે વાયરલ કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. કેન્દ્રના આ નિર્ણયને હવે ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. કંપનીનું કહેવું છે કે થોડા લોકોની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે લાખો-કરોડો સામાન્ય યુઝર્સને મુશ્કેલીમાં મૂકવું યોગ્ય નથી. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, જેના પર દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટેકનોલોજી ક્ષેત્રની નજર ટકેલી છે.
દિલ્હી હાઈકોર્ટમાં ટેલિગ્રામની અરજી
ટેલિગ્રામ તરફથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. આ મામલો જસ્ટિસ તેજસ કરિયાની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કંપનીએ પ્રતિબંધ સામે તાત્કાલિક રાહત માગી છે. કંપનીનો દાવો છે કે, જો કોઈ ચોક્કસ ચેનલ અથવા ગ્રુપ દ્વારા નિયમોનો ભંગ થયો હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ સમગ્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો અતિશય પગલું ગણાય.
આ પણ વાંચો: NEET કૌભાંડમાં વધુ 3ની ધરપકડ: ટેલિગ્રામ પર પેપર વેચવાના નામે લાખોની કરાઈ ઠગાઈ
NTAએ કેમ લીધો કડક નિર્ણય?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના મહાનિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું હતું કે NEET પરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર મોટા પાયે ફેક પેપર, ખોટા દાવા અને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો વિદ્યાર્થીઓની ચિંતાનો લાભ ઉઠાવી નકલી પ્રશ્નપત્રોને "લીક થયેલા અસલી પેપર" તરીકે રજૂ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં ગેરસમજ અને ગભરાટ ફેલાઈ રહ્યો હતો. અભિષેક સિંહના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયને તાત્કાલિક પગલાં લેવા પડ્યા હતા.
200થી વધુ ચેનલ અને ગ્રુપ્સ બ્લોક
NTAએ ટેલિગ્રામના અધિકારીઓ સાથે બેઠક યોજીને એવા ચેનલ અને ગ્રુપ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાં NEET પેપર લીકના દાવા કરવામાં આવી રહ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 200થી વધુ ટેલિગ્રામ ચેનલ્સ અને ગ્રુપ્સ બ્લોક કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે આ પગલાંથી વિદ્યાર્થીઓને છેતરપિંડીથી બચાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: ટેલિગ્રામ પર નકલી NEET પેપર વેચતી ગેંગનો પર્દાફાશ: વિદ્યાર્થીઓ પાસેથી લાખો ઉઘરાવનારા 5 આરોપીઓ ઝડપાયા
ટેલિગ્રામના CEO પાવેલ ડુરોવનો વિરોધ
ટેલિગ્રામના સ્થાપક અને CEO પાવેલ ડુરોવે કેન્દ્ર સરકારના નિર્ણયની જાહેરમાં ટીકા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે થોડાક યુઝર્સ દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્રો શેર કરવામાં આવ્યા હોવાના આરોપના આધારે સમગ્ર પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ડુરોવે દાવો કર્યો કે, ભારતમાં ટેલિગ્રામના 15 કરોડથી વધુ યુઝર્સ છે અને આ પ્રતિબંધનો ભોગ મોટા ભાગના નિર્દોષ લોકો બની રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે પ્રતિબંધ બાદ પણ કથિત લીક સામગ્રી અન્ય એપ્લિકેશનો પર શેર થવા લાગી છે, એટલે આ નિર્ણયથી મૂળ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
NEET પેપર લીક કેસમાં અત્યાર સુધી શું થયું?
ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા બાદ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં ઉઠેલા વિરોધ અને તપાસ બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર કેસની તપાસ CBI કરી રહી છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. પેપર લીક વિવાદ બાદ NTA અને કેન્દ્ર સરકાર પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે અનેક પગલાં લઈ રહ્યા છે. ટેલિગ્રામ પરના પ્રતિબંધને લઈને દિલ્હી હાઈકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર હવે સૌની નજર છે.





