ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક કરુણ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધો છે. સરતાનપર બંદર નજીક દરિયામાં નાહવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના તેજ પ્રવાહ અને ઊંચા મોજાંની ઝપેટમાં આવી જતા ડૂબી ગયા હતા. આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકીનો સ્થાનિક લોકોની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, બાળકો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક દરિયાનો પ્રવાહ વધુ તેજ બન્યો હતો. ભારે મોજાં અને કરંટના કારણે ત્રણેય બાળકો ઊંડા પાણી તરફ ખેંચાઈ ગયા હતા. બાળકોને ડૂબતા જોઈ કિનારે ઉભેલા પરિવારજનો અને સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ મચી ગઈ હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાં નકલી DYSP ઝડપાયો : વર્ધીના ફોટા-વીડિયો મૂકી રોફ જમાવતો હોવાનો આરોપ
સ્થાનિક માછીમારો બન્યા દેવદૂત
ઘટનાની જાણ થતાં જ નજીકમાં હાજર સ્થાનિક માછીમારો અને રહીશોએ તરત જ દરિયામાં ઝંપલાવ્યું હતું. ભારે જહેમત બાદ તેમણે ત્રણ બાળકોમાંથી એક બાળકીને જીવતી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે બાકીના બે બાળકો દરિયાના પ્રવાહમાં તણાઈ જતા થોડા સમય માટે લાપતા બન્યા હતા.
આ ઘટનાને પગલે કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોના રડારડથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.
કલાકો સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સરતાનપર ગામના સરપંચ, સ્થાનિક રહીશો તેમજ દરિયાના પ્રવાહથી પરિચિત લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
દરિયાના તોફાની મોજાં વચ્ચે કલાકો સુધી શોધખોળ ચાલી હતી. અંતે બંને બાળકોને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે તેમને બહાર લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત અત્યંત ગંભીર હતી.
આ પણ વાંચો: "મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો" : "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
બંને બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
એક જ પરિવારના બે માસૂમ બાળકોના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર સરતાનપર ગામ અને તળાજા વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.





