Home Sports T20 World Cup Sanju Samsons Innings And The Figure Of 13 Became The Turning Point Of The Match

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો! : Sanju Samson ની ઇનિંગ અને 13 નો આંકડો બન્યા મેચનો ટર્નિંગ પોઈન્ટ!

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો!
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 10:34 AM IST

T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક વખત સાબિત કરી દીધું છે કે, પ્રેશર હેઠળ તેઓ કેવી રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી સુપર-8 ની રોમાંચક મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે પરાજય આપીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે. આ જીતનો અસલી હીરો સંજુ સેમસન રહ્યો, જેને નોટઆઉટ 97 રને કરોડો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે.

મેચનો ટર્નિંગ પોઇન્ટ : 13 નો આંકડો ફળ્યો

મેચમાં એક સમય એવો હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝની પકડ મજબૂત જણાતી હતી. 12 ઓવર સુધી સ્કોર 103/3 હતો અને રિક્વાયર્ડ રન રેટ વધી રહ્યો હતો. પરંતુ 13 મી ઓવર ગેમ ચેન્જર સાબિત થઈ. શમાર જોસેફની આ ઓવરમાં સંજુ સેમસન અને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરતાં 4 ચોગ્ગાની મદદથી 17 રન ફટકાર્યા હતા. આ એક જ ઓવરે વેસ્ટ ઈન્ડિઝના બોલરોનું મનોબળ તોડી નાખ્યું અને ભારતનો સ્કોર 120 પર પહોંચાડી દીધો.

સંજુ સેમસનની ઐતિહાસિક ઇનિંગ

લાંબા સમય બાદ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરનાર સંજુ સેમસને આ મેચમાં પોતાની તાકાત બતાવી. ઓપનિંગમાં આવીને તેને 50 બોલમાં 97 રનની નોટઆઉટ ઇનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ સાથે જ સંજુએ T20 વર્લ્ડ કપમાં લક્ષ્યનો પીછો કરતાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમવાનો ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

વેસ્ટ ઈન્ડિઝની નબળી બોલિંગ અને ફિલ્ડિંગ

196 રનનો મોટો ટાર્ગેટ આપ્યા હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી. 13 મી ઓવર પછી વિન્ડિઝના બોલર્સ પ્રેશરમાં આવી ગયા અને તેમની લાઇન-લેન્થ ખોરવાઈ ગઈ. સાથે જ નબળી ફિલ્ડિંગે પણ ભારતની જીતનો રસ્તો સરળ કરી દીધો. ભારત આ મેચ છેલ્લી ઓવરના 4 બોલ બાકી રહેતા જ જીતી ગયું હતું.

ટીમ ઇન્ડિયાનો સેમિફાઇનલ સુધીનો પ્રવાસ

સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે સ્થિતિ મુશ્કેલ હતી. સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ બંને સામે જીતવું અનિવાર્ય હતું. ભારતે શાનદાર કમબેક કરતાં પહેલા ઝિમ્બાબ્વેને હરાવ્યું અને હવે વિન્ડિઝને હરાવીને સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.

આગામી મેચ : ભારત vs ઇંગ્લેન્ડ

હવે ક્રિકેટ ચાહકોની નજર 5 માર્ચ પર છે. ભારતની સેમીફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ફાઇનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now