Home Sports T20 World Cup If India Reaches The Semi Finals Which Team Will They Face

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ? : જાણો ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલના ક્વોલિફિકેશનનું આખું ગણિત!

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 08:36 AM IST

T20 World Cup : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ફેન્સની નજર અત્યારે ભારતીય ટીમ પર છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચવાની નજીક ઉભી છે. પરંતુ આ રસ્તો એટલો સરળ નથી, કારણ કે આગામી મેચ હાર્યા તો ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જાણો ભારત સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે અને સેમીફાઇનલમાં ભારતની સામે કઈ ટીમ આવશે.

ભારતની નિર્ણાયક મેચ : ભારત vs વેસ્ટ ઈન્ડિઝ

ભારતીય ટીમ રવિવાર, 1 માર્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. આ મેચ 'ક્વાર્ટર ફાઇનલ' જેવી છે; જે જીતશે તે સેમિફાઇનલમાં જશે અને જે હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થશે. ભારત હાલમાં ફેવરિટ મનાય છે કારણ કે, ટીમ ઈન્ડિયાની બોલિંગ અને બેટિંગ બંને શાનદાર ફોર્મમાં છે.

સુપર-8 ની સફર અને પોઈન્ટ ટેબલ

ભારતે સુપર-8 ની શરૂઆત સાઉથ આફ્રિકા સામેની હાર સાથે કરી હતી, જેના કારણે થોડી ચિંતા વધી હતી. જોકે, ઝિમ્બાબ્વે સામેની શાનદાર જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જો ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો તે ગ્રુપ-1 માં બીજા સ્થાને રહી શકે છે, કારણ કે સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ ઘણો સારો છે અને તેઓ ટોપ પર રહે તેવી પૂરી શક્યતા છે.

સેમિફાઇનલમાં ફરી એક વખત ઇંગ્લેન્ડ સામે મેચ?

ટુર્નામેન્ટના નિયમ મુજબ, ગ્રુપ-1 ની બીજા નંબરની ટીમનો સામનો ગ્રુપ-2 ના ટેબલ ટોપર સાથે થશે. ગ્રુપ-2 માં ઇંગ્લેન્ડની ટીમ તેના ત્રણેય મેચ જીતીને ટોચ પર છે. એટલે કે, જો ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવીને બીજા નંબરે રહે છે, તો 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ જોવા મળી શકે છે.

જૂનો હિસાબ અને ઇંગ્લેન્ડનો પડકાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપનો ઇતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. 2022 ના T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને કારમી હાર આપી હતી, જેમાં ભારતના 168 રનના જવાબમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16 ઓવરમાં મેચ જીતી લીધી હતી. જોકે, 2024 ના T20 વર્લ્ડ કપમાં ભારતે આ હારનો બદલો લેતા ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું. આ વખતે મુકાબલો વધુ કઠિન છે કારણ કે, હેરી બ્રુકની સેન્ચુરી અને જોશ બટલર, વિલ જેક્સ તથા જેકબ બેથેલ જેવા ખેલાડીઓ ફોર્મમાં છે. ભારતીય ફેન્સને યાદ જ હશે કે, ભારત અને ઈંગ્લેન્ડ છેલ્લે જ્યારે વાનખેડેમાં મેચ થઈ હતી, ત્યારે અભિષેક શર્માએ માત્ર 54 બોલમાં 135 રન ફટકારીને ધૂમ મચાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now