Home Sports T20 World Cup Crores Of Rupees Will Rain On The Champion Team Know The Prize Money

T20 World Cup; ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ! : માત્ર ટ્રોફી જ નહીં, ખેલાડીઓ પર થશે ધનવર્ષા, જાણો પ્રાઈઝ મની

T20 World Cup; ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 10:53 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. ક્રિકેટ ફેન્સમાં એ વાતની ઉત્સુકતા છે કે, આ વખતે ટ્રોફી કોણ ઉપાડશે, પરંતુ તેની સાથે જ લોકો એ પણ જાણવા માંગે છે કે, વિજેતા બનનારી ટીમને કેટલી રકમ ઘરે લઈ જશે. આ વખતે ICC એ ઇનામી રકમમાં મોટો વધારો કર્યો છે, જેના કારણે માત્ર વિજેતા જ નહીં પરંતુ સેમીફાઇનલ સુધી પહોંચનારી ટીમો પણ માલામાલ થઈ જશે.

ટૂર્નામેન્ટનું વર્તમાન સમીકરણ

આ વર્ષના T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી અનેક ઉતાર-ચઢાવ બાદ હવે માત્ર ચાર ટીમો મેદાનમાં બાકી રહી છે. સુપર-8 રાઉન્ડ પૂરો થયા બાદ હવે બે સેમીફાઇનલ અને એક ફાઇનલ મેચ રમાવાની બાકી છે. પ્રથમ સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામસામે ટકરાશે, જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર જંગ જામશે. આ મેચોના પરિણામ બાદ નક્કી થશે કે, ફાઇનલની જંગ કોની-કોની વચ્ચે હશે.

વિજેતા ટીમને મળશે અધધ રકમ

જો આપણે પ્રાઈઝ મનીની વાત કરીએ તો, વર્ષ 2024 માં જ્યારે રોહિત શર્માની આગેવાનીમાં ભારત ચેમ્પિયન બન્યું ત્યારે ટીમને ₹20.4 કરોડ મળ્યા હતા. આ વખતે આ રકમ વધારવામાં આવી હોવાના અહેવાલ છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ, આ વખતે વર્લ્ડ કપ જીતનારી ટીમને ₹27 કરોડથી પણ વધુની ઇનામી રકમ મળી શકે છે. અંદાજ છે કે, ICC એ આખી ટૂર્નામેન્ટ માટે કુલ ₹120.37 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે.

રનર્સ-અપ અને સેમીફાઇનલિસ્ટનું નસીબ

માત્ર વિજેતા જ નહીં, પણ ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે, રનર-અપ ટીમને પણ લગભગ ₹14.65 કરોડની રકમ આપવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. આ સિવાય જે ચાર ટીમો સેમીફાઇનલસુધી પહોંચી છે, તેમાંથી જે ટીમો ફાઇનલમાં નહીં પહોંચી શકે તેમને પણ ખાલી હાથે પરત ફરવું નહીં પડે. સેમીફાઇનલમાં હારનારી દરેક ટીમને આશરે ₹7.24 કરોડ ઇનામ તરીકે મળી શકે છે.

અન્ય ટીમો માટે પણ ઇનામોની જોગવાઈ

રિપોર્ટ્સ મુજબ ICC એ આ વખતે છેક નીચેના ક્રમ સુધીની ટીમો માટે ઇનામની વ્યવસ્થા કરી છે. જે ટીમો સેમીફાઇનલ સુધી નથી પહોંચી શકી પરંતુ 5 મા ક્રમથી 12 મા ક્રમની વચ્ચે રહી છે, તેમને પણ અંદાજે ₹3.48 કરોડની રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ પગલું ક્રિકેટને વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બનાવવા અને નાની ટીમોને આર્થિક ટેકો આપવા માટે લેવામાં આવ્યું હોવાનું જણાય છે.

ખાસ નોંધ

અહીં જણાવેલ ઇનામી રકમના આંકડાઓ વિવિધ મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આ રકમો અંગે ICC દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કે જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત, કરન્સી માર્કેટમાં ડોલરના મૂલ્યમાં થતા ફેરફારને કારણે અંતિમ રકમમાં થોડો ફેરફાર થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now