Home Sports Suryakumar Yadav Baby Girl Devisha Shetty Ipl 2026 Gujarati News

T20 વર્લ્ડ કપ વિનર સૂર્યાને ઘરે પારણું બંધાયું! : પત્ની દેવીશાએ આપ્યો પુત્રીને જન્મ, ચાહકોમાં ખુશી

Suryakumar Yadav and Devisha Shetty
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: May 07, 2026, 01:33 PM IST

Suryakumar Yadav : ભારતીય ક્રિકેટના 'મિસ્ટર 360 ડિગ્રી' તરીકે ઓળખાતા સૂર્યકુમાર યાદવ માટે વર્ષ 2026 અત્યંત યાદગાર સાબિત થઈ રહ્યું છે. એક તરફ જ્યાં તેમણે ભારતને T20 વર્લ્ડ કપમાં શાનદાર જીત અપાવી હતી, ત્યાં હવે તેના અંગત જીવનમાં સૌથી મોટી ખુશીનું આગમન થયું છે. IPL 2026 ની રસાકસી વચ્ચે સમાચાર આવ્યા છે કે સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવીશા શેટ્ટી માતા-પિતા બની ગયા છે. આ સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે અને ક્રિકેટ જગતમાંથી આ દંપતી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ઘરે નનકડી પરીનું આગમન

સૂર્યકુમાર યાદવના ઘરે એક સુંદર પુત્રીનો જન્મ થયો છે. મળતી માહિતી મુજબ, માતા અને બાળક બંને સ્વસ્થ છે. સૂર્યાએ હંમેશા મેદાન પર પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીત્યા છે, પરંતુ પિતા બનવાની આ ક્ષણ તેના માટે કોઈપણ સદી કે ટ્રોફી કરતાં વિશેષ છે. મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં પણ આ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ નાની પરીને 'જુનિયર સૂર્યા' અને 'નસીબદાર' ગણાવી રહ્યા છે, કારણ કે સૂર્યા અત્યારે તેની કારકિર્દીના સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

કોલેજકાળની લવસ્ટોરી અને લગ્ન

સૂર્યકુમાર અને દેવીશાની લવસ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. આ બંનેની મુલાકાત વર્ષ 2012 માં મુંબઈની આર.એ. પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં થઈ હતી. દેવીશા એક ઉત્તમ ડાન્સર હતી અને તેના એક પરફોર્મન્સને જોઈને જ સૂર્યા તેના પ્રેમમાં પડી ગયો હતો. સામે પક્ષે, દેવીશા સૂર્યાની બેટિંગથી પ્રભાવિત થઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને સમજ્યા અને ડેટિંગ કર્યા બાદ, વર્ષ 2016 માં તેઓએ દક્ષિણ ભારતીય રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સૂર્યાની સફળતામાં દેવીશાનો મોટો હાથ હોવાનું તે પોતે પણ ઘણીવાર સ્વીકારી ચુક્યો છે.

બેબી શાવરનો વીડિયો થયો હતો વાયરલ

થોડા સમય પહેલા એટલે કે, માર્ચ 2026 માં સોશિયલ મીડિયા પર દેવીશા શેટ્ટીના બેબી શાવરનો એક સુંદર વીડિયો વાયરલ થયો હતો. આ ફંક્શનમાં સૂર્યા અને દેવીશા ખૂબ જ ખુશ દેખાતા હતા અને તે સમયથી જ ચાહકો તેમના ઘરે આવનાર નવા મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. આ વીડિયોએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે સૂર્યા જલ્દી પિતા બનવાનો છે. હવે જ્યારે પુત્રીનો જન્મ થયો છે, ત્યારે તેમના જૂના વીડિયો અને ફોટા ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

શું આગામી મેચમાં સૂર્યા રમશે?

ક્રિકેટના મેદાનની વાત કરીએ તો, IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નબળું રહ્યું છે. ટીમે 10 મેચ રમી છે જેમાંથી માત્ર 3 માં જીત મેળવી છે. આગામી 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે મહત્વની મેચ રમાવાની છે. જોકે, હાલના રિપોર્ટ્સ મુજબ સૂર્યકુમાર યાદવ ટીમની સાથે રાયપુર ગયો નથી. તે પોતાની પત્ની અને નવજાત પુત્રી સાથે સમય વિતાવવા માંગે છે, તેથી તે RCB સામેની મેચમાં રમે તેવી શક્યતા ઘણી ઓછી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યાની ગેરહાજરી એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now