Surat Nasirnagar Demolition: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત ડિમોલિશન મામલે વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ડિમોલિશનને નવ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ કાર્યવાહી કોના આદેશથી અને કઈ પ્રક્રિયા હેઠળ કરવામાં આવી હતી તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. બીજી તરફ, ડિમોલિશનથી અસરગ્રસ્ત બનેલા 100થી વધુ પરિવારો આજે પણ અનિશ્ચિતતા વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મુદ્દે હવે રાજકીય રંગ પણ ચઢ્યો છે. સુરત શહેર કોંગ્રેસ અને સ્થાનિક કોંગ્રેસી આગેવાનો અસરગ્રસ્ત પરિવારોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ કરી છે.
વર્ષોથી વસવાટ કરતા પરિવારો બેઘર બન્યાનો આક્ષેપ
અસરગ્રસ્ત પરિવારો અને કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે, નાસીરનગર વિસ્તારમાં અનેક પરિવારો છેલ્લા 40થી 50 વર્ષથી સ્થાયી રીતે વસવાટ કરતા હતા. તેમ છતાં કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમને સ્થળ ખાલી કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પોલીસ અને પાલિકાના દબાણ વચ્ચે પરિવારોને સ્થળ છોડવું પડ્યું અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરિણામે અનેક પરિવારો આજે ખુલ્લા આકાશ નીચે જીવન પસાર કરવા મજબૂર બન્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

ડિમોલિશન પાછળ કોણ? હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નહીં
ડિમોલિશનને લઈને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, આખરે આ કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરાવી હતી. નવ દિવસ બાદ પણ જવાબદાર વ્યક્તિઓ અથવા તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે પારદર્શક તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, જો કાર્યવાહી કાયદેસર હતી તો તેની સંપૂર્ણ વિગતો જાહેર થવી જોઈએ અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો જવાબદાર લોકો સામે પગલાં ભરવા જોઈએ.
આ પણ વાંચો: ઓપરેશન 'મિસ્ટર ઇન્ડિયા'! : 100 મકાન તૂટ્યા, મનપા અજાણ, ધારાસભ્ય અજાણ... તો આ JCB ચલાવતું હતું કોણ?
પોલીસ કમિશનરને આવેદન, ન્યાયની માંગ
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા અને કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલા સહિતના આગેવાનો અસરગ્રસ્ત પરિવારો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. તેમણે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ગરીબ અને વંચિત વર્ગના પરિવારો સાથે અન્યાય થયો છે. જો આ પરિવારોને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વૈકલ્પિક રહેઠાણની માંગ ઉગ્ર
અસરગ્રસ્ત પરિવારો માટે હાલ સૌથી મોટો પ્રશ્ન રહેઠાણનો છે. ડિમોલિશન બાદ અનેક પરિવારો પાસે રહેવા માટે કોઈ વ્યવસ્થા બચી નથી. સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ, આર્થિક સહાય અને પુનર્વસન પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરિવારોનું કહેવું છે કે, વર્ષો સુધી એક જ સ્થળે રહેતા લોકોને અચાનક બેઘર બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ન્યાય માટે કોંગ્રેસ મેદાને
નાસીરનગર ડિમોલિશન મામલે હવે કોંગ્રેસ ખુલ્લેઆમ અસરગ્રસ્ત પરિવારોના સમર્થનમાં આવી છે. કોંગ્રેસી આગેવાનોનું કહેવું છે કે, ગરીબ પ્રજાને ન્યાય અપાવવા માટે તેઓ અંત સુધી લડત ચાલુ રાખશે. હાલ સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ડિમોલિશન અંગે ઊભા થયેલા સવાલો અને અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિને લઈને શહેરમાં ચર્ચા તેજ બની છે.





