દેશમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવા સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. જો તમે પણ ઘરે સોલાર પેનલ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. સરકાર 1 જૂન 2026થી સોલાર ઇન્ડસ્ટ્રી માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે, જેના કારણે સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચ વધી શકે છે. જોકે રાહતની વાત એ છે કે “PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના” હેઠળ મળતી સબસિડી હાલ યથાવત રહેશે. નવા નિયમો બાદ સોલાર સિસ્ટમ ખરીદતા પહેલા ગ્રાહકો માટે કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે સોલાર પેનલ લગાવવા ઈચ્છતા લોકો માટે આ ફેરફાર સીધી અસરકારક સાબિત થઈ શકે છે.
શું છે નવો ALMM નિયમ?
સરકાર દ્વારા 1 જૂન 2026થી ALMM લિસ્ટ-II (Approved List of Models and Manufacturers) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર સોલાર પેનલ્સને સરકારની મંજૂર યાદી (ALMM List-I) મુજબ સર્ટિફાઈડ હોવું જરૂરી હતું. પરંતુ હવે નવા નિયમ મુજબ સોલાર પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં હોવા ફરજિયાત બનશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમની સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી અને નીચી ગુણવત્તાવાળા સાધનોની આયાત પર નિયંત્રણ લાવવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.
સોલાર સિસ્ટમનો ખર્ચ કેટલો વધી શકે?
નવા નિયમોના કારણે ઘરેલુ સોલાર સિસ્ટમના ખર્ચમાં વધારો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે હવે સ્થાનિક અને મંજૂર સોલાર સેલ્સનો ઉપયોગ ફરજિયાત બનશે.
અંદાજે ખર્ચ આ પ્રમાણે વધી શકે છે:
1 kW સોલાર સિસ્ટમ: અંદાજે ₹3,000 સુધી વધુ ખર્ચ
2 kW સેટઅપ: આશરે ₹6,000 સુધીનો વધારો
3 kW સોલાર સિસ્ટમ: લગભગ ₹9,000 વધુ ખર્ચ
જો બજારમાં એપ્રુવ્ડ સોલાર સેલ્સની ઉપલબ્ધિ ઓછી રહેશે તો ભાવમાં વધુ વધારો પણ થઈ શકે છે.
આ પણ વાંચો: બાજુવાળાનું બિલ ‘ઝીરો’ જોઈ ગુજરાતીઓએ લગાવી સોલર પેનલ! : જાણો કઈ રીતે તમે પણ બચાવી શકો છો લાખો રૂપિયા
શું સરકાર સબસિડી બંધ કરી રહી છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે સરકાર સોલાર પેનલ પર મળતી સબસિડી બંધ કરી દેશે. જોકે, આ દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક હોવાનું સામે આવ્યું છે. સરકારની “PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના” હેઠળ સબસિડી પહેલાની જેમ ચાલુ રહેશે. એટલે કે, સામાન્ય નાગરિકોને સોલાર પેનલ લગાવવા માટે મળતી નાણાકીય સહાયમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેટલો મળશે સબસિડી લાભ?
સરકાર હાલ નીચે મુજબ સબસિડી આપી રહી છે:
1 કિલોવોટ સોલાર સિસ્ટમ માટે ₹30,000 સુધી સહાય
2 કિલોવોટ સિસ્ટમ માટે ₹60,000 સુધી લાભ
3 કિલોવોટ અથવા વધુ સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધી સબસિડી
આ ઉપરાંત, કેટલાક રાજ્ય સરકારો દ્વારા વધારાની ટોપ-અપ સબસિડી પણ આપવામાં આવી રહી છે, જેના કારણે ગ્રાહકોને વધુ રાહત મળી શકે છે.
ગ્રાહકો માટે કયા બે વિકલ્પ?
સોલાર સિસ્ટમ પસંદ કરતી વખતે હવે ગ્રાહકો પાસે મુખ્યત્વે બે વિકલ્પ રહેશે.
1. સબસિડી રૂટ
આ વિકલ્પ એવા પરિવારો માટે યોગ્ય છે, જેઓ લાંબા ગાળે વીજળીનું બિલ ઓછું કે શૂન્ય કરવા માંગે છે. આમાં સરકાર દ્વારા મંજૂર ટેક્નોલોજી અને કોમ્પોનેન્ટ્સનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે, જેના બદલામાં સબસિડીનો લાભ મળશે.
2. ફ્રીડમ રૂટ
જે લોકો નવી ટેક્નોલોજી જેવી કે HJT, HDT અથવા લિથિયમ બેટરી આધારિત સિસ્ટમ પસંદ કરવા માંગે છે, તેમના માટે આ વિકલ્પ છે. જોકે, આ માર્ગમાં સરકારની કોઈ સબસિડી મળતી નથી, પરંતુ ગ્રાહકોને પોતાની પસંદગી મુજબની ટેક્નોલોજી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે.
સોલાર લગાવતાં પહેલા શું ધ્યાનમાં રાખવું?
જો તમે નજીકના સમયમાં સોલાર સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો, તો 1 જૂન પહેલાં અને પછીના નિયમો, ખર્ચ અને સબસિડીની માહિતી સારી રીતે સમજી લેવી જરૂરી છે. યોગ્ય કંપની, સર્ટિફાઈડ સાધનો અને સરકાર માન્યતા ધરાવતા ઇન્સ્ટોલર્સની પસંદગી કરવાથી ભવિષ્યમાં વધારાના ખર્ચ અને મુશ્કેલીથી બચી શકાય છે. સરકારનો નવો નિયમ ભલે ખર્ચ થોડો વધારશે, પરંતુ લાંબા ગાળે વધુ ગુણવત્તાવાળી અને વિશ્વસનીય સોલાર સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.





