Home Gujarat Rajkot Snitch Franchise Scam Rajkot Cyber Fraud Rs 29 Lakh

SNITCH ફ્રેન્ચાઇઝીના નામે રાજકોટના યુવાન સાથે ₹29 લાખનો સાયબર ફ્રોડ : બનાવટી દસ્તાવેજોથી વિશ્વાસમાં લઈ રકમ પડાવી

રાજકોટમાં સ્નીચ કૌભાંડ દર્શવતા દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 08:55 AM IST

રાજકોટમાં ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મોટી સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ભક્તિનગર સર્કલ નજીક રહેતા અને મેટોડા GIDC વિસ્તારમાં ‘ત્રિવેણી મેટલ એન્ડ પાર્ટ્સ’ નામનું કારખાનું ચલાવતા 19 વર્ષીય હિતાર્થ અમીપરા સાથે SNITCH Apparels Private Limited ની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે ₹29 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ હિતાર્થ અમીપરાએ 4 એપ્રિલ, 2026ના રોજ ગૂગલ પર SNITCH Apparels ની ફ્રેન્ચાઇઝી અંગે માહિતી શોધી હતી અને એક વેબસાઇટ મારફતે અરજી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ પોતાને કંપનીના ફ્રેન્ચાઇઝી મેનેજર તરીકે ઓળખાવનાર વ્યક્તિએ સંપર્ક કરીને ફ્રેન્ચાઇઝી પ્રક્રિયા શરૂ કરાવી હતી.

બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને દસ્તાવેજોથી વિશ્વાસ સંપાદિત કર્યો

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ફ્રેન્ચાઇઝી સંબંધિત દસ્તાવેજો, મંજૂરી પત્રો અને એપોઇન્ટમેન્ટ લેટર મોકલી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફ્રેન્ચાઇઝી મંજૂરી, ટોકન અમાઉન્ટ, NOC ફી, સિક્યુરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી.

આરોપીઓએ મોબાઇલ નંબર 840581**07, 9088**4817 અને 82829981** પરથી સંપર્ક કર્યો હતો તેમજ [email protected] નામના ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને કંપનીના અધિકારી હોવાનો ભાસ ઊભો કર્યો હતો.

આ પણ વાંચો: સરકારી ભરતીમાં નવા વિવાદની એન્ટ્રી : એક પરિવારને બે અનામતનો લાભ?, યુવાનોના હક્ક સાથે ચેડાં થયાની શંકા

વિવિધ હપ્તામાં ₹29 લાખ ટ્રાન્સફર કરાવ્યા

FIR મુજબ ફરિયાદીના પિતાના બેંક ખાતામાંથી 4 એપ્રિલથી 12 મે, 2026 દરમિયાન અલગ-અલગ તબક્કામાં કુલ ₹29 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પ્રથમ ટોકન અમાઉન્ટ તરીકે ₹3.84 લાખ, ત્યારબાદ NOC ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ, એડમિનિસ્ટ્રેશન ફી અને સ્ટોર ફિટઆઉટના નામે વધુ રકમ જમા કરાવવામાં આવી હતી.

ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપીઓએ મહારાષ્ટ્ર અને અન્ય બેંકોના વિવિધ ખાતા નંબર આપીને RTGS મારફતે રકમ ટ્રાન્સફર કરાવી હતી. કુલ વ્યવહારો બાદ ફરિયાદી પાસેથી ₹29 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

કંપનીના સત્તાવાર ઇમેઇલથી ખુલ્યો ભાંડો

ફરિયાદ મુજબ જ્યારે વારંવાર વધુ રકમની માંગ કરવામાં આવતી હતી ત્યારે ફરિયાદીને શંકા ગઈ હતી. ત્યારબાદ SNITCH કંપનીના સત્તાવાર ઇમેઇલ ID પર સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાંથી જવાબ મળ્યો કે ફ્રેન્ચાઇઝી સંબંધિત મોકલાયેલા પત્રો અને દસ્તાવેજો સંપૂર્ણપણે બનાવટી છે અને તેનો કંપની સાથે કોઈ સંબંધ નથી.

આ ખુલાસા બાદ ફરિયાદીએ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: પ્રવાસીઓ માટે મોટા સમાચાર! : હવે આ તારીખ સુધી ગીરમાં નહીં મળે 'જંગલના રાજા'ના દર્શન


સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો ઉપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. FIR નંબર 11208057260034 તારીખ 6 જૂન 2026ના રોજ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

પોલીસ હવે મોબાઇલ નંબરો, બેંક ખાતાઓ, ઇમેઇલ આઈડી અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now