Sikkim Tunnel Collapse: સિક્કિમના નામચી જિલ્લામાં NHPCની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રો પાવર પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 પર પહોંચ્યો છે. હજુ પણ પાંચ શ્રમિકો ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે.
મૃત્યુઆંક 20 પર પહોંચ્યો, 5 શ્રમિકો હજુ લાપતા
પીટીઆઈના અહેવાલ અનુસાર, ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધી 20 શ્રમિકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી 12 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 7ની ઓળખ થઈ ચૂકી છે. બાકીના મૃતદેહોની ઓળખ માટે પ્રક્રિયા ચાલુ છે. હજુ પણ પાંચ શ્રમિકો ટનલની અંદર ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
બચાવ કામગીરીમાં અનેક એજન્સીઓ જોડાઈ
ટનલમાં બચાવ કામગીરી માટે NDRF, SDRF, સ્થાનિક પોલીસ, જિલ્લા પ્રશાસન, તબીબી ટીમો અને ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL)ના માઇનિંગ નિષ્ણાતો સતત કામગીરી કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાંથી વિશેષ માઇનિંગ રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી છે જેથી ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સુધી ઝડપથી પહોંચી શકાય.
રાજ્યના મુખ્ય સચિવ રવિન્દ્ર તેલંગે બચાવ કામગીરીની સમીક્ષા કરીને ઓક્સિજનનો યોગ્ય ઉપયોગ અને કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે અંગે સૂચનાઓ આપી છે.
દુર્ઘટનાનું કારણ શું?
NHPCના પ્રાથમિક નિવેદન મુજબ, ટનલની અંદર ચટ્ટાનોમાં ફસાયેલી સંભવિત મેથેન ગેસના અચાનક વિસ્ફોટથી ધડાકો થયો હતો. જેના કારણે ઘાટો ધુમાડો અને ઝેરી વાયુ ફેલાતા શ્રમિકો ટનલમાં ફસાઈ ગયા.
ઘટનાના ચોક્કસ કારણોની તપાસ માટે સિક્કિમ સરકારે વિશેષ તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે.
PM મોદી અને અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી વાત
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની સાથે વાત કરીને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી દરેક શક્ય સહાયની ખાતરી આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
મૃતકોના પરિવાર માટે વળતરની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખ અને દરેક ઘાયલને ₹50,000ની સહાય જાહેર કરી છે.
બીજી તરફ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકના પરિવારને ₹4 લાખ અને દરેક ઘાયલને ₹50,000ની અનુગ્રહ સહાય આપવાની જાહેરાત કરી છે.
વિધાનસભામાં શ્રદ્ધાંજલિ, વળતર ઝડપથી ચૂકવવાના નિર્દેશ
સિક્કિમ વિધાનસભામાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા શ્રમિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ NHPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને પીડિત પરિવારોને વળતર ઝડપથી ચૂકવવાની સૂચના પણ આપી છે.
આ પણ વાંચો : અયોધ્યામાં આજે રામ મંદિર ટ્રસ્ટની હાઈ-લેવલ બેઠક : નવા ચહેરાઓને મળી શકે છે મોટી જવાબદારી
કંપનીએ શું કહ્યું?
ટનલમાં સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ કરતી પટેલ એન્જિનિયરિંગ લિમિટેડે જણાવ્યું છે કે તેની ટીમ NDRF અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને 24 કલાક બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
કંપનીએ જણાવ્યું કે તમામ જરૂરી સાધનો અને ટેક્નિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : આજે 18 રાજ્યોમાં ફાટશે આભ! : IMDનું મોટું એલર્ટ! ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો ખતરો, જાણો સંપૂર્ણ અપડેટ
શ્રમિકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા
દેશના મહત્વપૂર્ણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં થયેલી આ દુર્ઘટનાએ ટનલ સુરક્ષા, ગેસ મોનિટરિંગ અને શ્રમિકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલ બાદ જ દુર્ઘટનાના સાચા કારણો સામે આવશે.





