હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે ચમત્કારી મંદિરો માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં શિખરો પર અનેક દેવી-દેવતાઓના એવા સ્થાનો છે જે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવું જ એક પવિત્ર સ્થાન એટલે શિમલાની સૌથી ઊંચી ટેકરી પર આવેલું જાખૂ મંદિર (Jakhu Temple). સમુદ્ર સપાટીથી આશરે 2,438 મીટરની ઊંચાઈ પર સ્થિત આ મંદિરમાં ભગવાન હનુમાનજીની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાઓ પૈકીની એક સ્થાપિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, આ તે જ સ્થળ છે જ્યાં બજરંગબલીએ સંજીવની બુટ્ટી લેવા જતી વખતે રોકાણ કર્યું હતું.
શા માટે જાખૂ પહાડી ઉપરથી સપાટ છે?
રામાયણ કાળની માન્યતા મુજબ, જ્યારે મેઘનાદના શક્તિબાણથી લક્ષ્મણજી મૂર્છિત થયા હતા, ત્યારે તેમના પ્રાણ બચાવવા હનુમાનજી હિમાલય તરફ સંજીવની બુટ્ટી લેવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમની નજર જાખૂ પહાડી પર પડી જ્યાં યક્ષ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. સંજીવની વિશે માહિતી મેળવવા અને થોડો સમય વિશ્રામ કરવા માટે હનુમાનજી આ પહાડી પર ઉતર્યા હતા. એવું કહેવાય છે કે પવનપુત્રનો ભાર એટલો હતો કે તેમના પથરાવાથી આ આખી ટેકરી જમીનમાં ધસી ગઈ હતી. આ જ કારણ છે કે આજે પણ આ પહાડી ઉપરથી સપાટ દેખાય છે.
ઋષિને આપેલું વચન અને સ્વયંભૂ મૂર્તિનું પ્રાગટ્ય
જ્યારે હનુમાનજી સંજીવની લઈને પરત ફરવાના હતા, ત્યારે તેમણે યક્ષ ઋષિને ફરી મળવાનું વચન આપ્યું હતું. જોકે, માર્ગમાં કાલનેમિ રાક્ષસ સાથેના યુદ્ધ અને સમયના અભાવે તેઓ રૂબરૂ મળી શક્યા નહોતા. ઋષિની વ્યાકુળતા જોઈને હનુમાનજીએ તેમને દિવ્ય દર્શન આપ્યા, જેના પ્રભાવથી ત્યાં એક સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યારબાદ યક્ષ ઋષિએ જ અહીં હનુમાનજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
આજે પણ પૂજાય છે બજરંગબલીના પગલાં
જાખૂ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આજે પણ ભગવાન હનુમાનજીના પદચિહ્ન (પગલાં) સુરક્ષિત છે. શ્રદ્ધાળુઓ આ પદચિહ્નોની વિશેષ પૂજા-અર્ચના કરે છે. વર્ષોથી આ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં સ્થાપિત 108 ફૂટ ઊંચી હનુમાનજીની કેસરી રંગની પ્રતિમા શિમલાના કોઈપણ ખૂણેથી સરળતાથી જોઈ શકાય છે.






