Home Sports Serious Allegation Of Match Fixing Against Former Ipl Player Know What The Whole Incident Is

IPL ના પૂર્વ ખેલાડી પર મેચ ફિક્સિંગનો ગંભીર આરોપ! : ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સામે ICC અને CWI નો મોટો પ્રહાર

IPL ના પૂર્વ ખેલાડી પર મેચ ફિક્સિંગનો ગંભીર આરોપ!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:44 PM IST

Match fixing : ક્રિકેટના મેદાન પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના મામલે મોટી કાર્યવાહી કરતાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સેર્લ્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. સેર્લ્સ અગાઉ વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL માં પણ રમી ચૂક્યો છે. તેની સાથે અન્ય બે વ્યક્તિઓ પર પણ ICC એ કડક કડક પગલાં લીધા છે.

શું છે ફિક્સિંગનો કેસ?

આ સમગ્ર વિવાદ વર્ષ 2023-24 માં બાર્બાડોસમાં રમાયેલી 'Bim10 લીગ' સાથે જોડાયેલો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટુર્નામેન્ટ દરમિયાન મેચના પરિણામો અને રમતની સ્થિતિને ખોટી રીતે પ્રભાવિત કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં માત્ર ખેલાડી જ નહીં, પરંતુ ટીમ સાથે જોડાયેલા અધિકારીઓ પણ સામેલ હોવાનું જણાયું છે.

કોણ કોણ છે તપાસના ઘેરામાં?

ICC એ જેવોન સેર્લ્સની સાથે ટાઈટન્સ ટીમના માલિક ચિત્તરંજન રાઠોડ અને ટીમના અધિકારી ટ્રેવોન ગ્રિફિથને પણ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણેય પર એન્ટી કરપ્શન કોડના નિયમોના ભંગ બદલ આરોપો મૂકવામાં આવ્યા છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (CWI) અને ICC સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહ્યા છે.

સેર્લ્સનું IPL કનેક્શન

જેવોન સેર્લ્સ ભારતની જાણીતી લીગ IPL માં પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યો છે. વર્ષ 2018 માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો હિસ્સો હતો. તેને KKR માટે 4 મેચ રમી હતી, જેમાં 2 વિકેટ લીધી હતી. જોકે, વેસ્ટ ઈન્ડિઝની નેશનલ ટીમ માટે તેને ઇન્ટરનેશનલ સ્તરે રમવાની તક મળી ન હતી.

ગંભીર આરોપોની વિગત

આ ત્રણેય વ્યક્તિઓ પર મેચ ફિક્સિંગનું કાવતરું ઘડવું, અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવા અને તપાસમાં સહયોગ ન આપવા જેવા ગંભીર આરોપો છે. સેર્લ્સ અને ગ્રિફિથ પર એવો પણ આરોપ છે કે, તેમને શંકાસ્પદ ઓફર મળી હોવા છતાં તેમણે તેની જાણકારી બોર્ડને આપી ન હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે.

હવે આગળ શું થશે?

ICC એ આ ત્રણેય આરોપીઓને પોતાનો પક્ષ રાખવા અને જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. હાલમાં એન્ટી કરપ્શન યુનિટ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. જો આરોપો સાબિત થશે, તો આ ખેલાડી અને અધિકારીઓ પર લાંબા સમય સુધી કે આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now