મુંબઈ: સ્થાનિક શેરબજારમાં મંગળવારે કારોબારની શરૂઆતમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. નબળાઈ સાથે ખુલ્યા બાદ માર્કેટમાં ખરીદદારોએ જોરદાર વાપસી કરી છે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં નીચલા સ્તરેથી ધીમી પણ મજબૂત રિકવરી જોવા મળી રહી છે.
કેવી રહી માર્કેટની શરૂઆત?
આજે BSEનો સેન્સેક્સ 322.14 અંક તૂટીને 73,945.20 ના સ્તરે ખુલ્યો હતો. વેચવાલીના દબાણને કારણે થોડી જ વારમાં તે ઘટીને 73,815 સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ નીચલા સ્તરેથી ખરીદી નીકળતા સેન્સેક્સમાં સુધારો જોવા મળ્યો. સવારે 10 વાગ્યા સુધીમાં સેન્સેક્સ માત્ર 172 અંકના ઘટાડા સાથે 74,095 પર કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ એનએસઈ (NSE) નો નિફ્ટી પણ 153 અંકના ઘટાડા સાથે 23,229 પર ખુલ્યા બાદ, 10 વાગ્યા સુધીમાં રિકવર થઈને 23,316 ના સ્તરે પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: કોર્પોરેટ જગતમાં મોટો ભૂકંપ! : દિગ્ગજ કંપની 'વેદાંતા ગ્રુપ' પર ED ના દરોડા, વિદેશી ભંડોળના કેસમાં શરૂ થઈ મોટી કાર્યવાહી
કયા શેરોમાં તેજી, ક્યાં ઘટાડો?
આજના શરૂઆતી કારોબારમાં IT અને મેટલ શેરોનો દબદબો રહ્યો છે. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS, કોલ ઇન્ડિયા અને JSW સ્ટીલના શેરોમાં 1.67% થી લઈને 3.99% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે FMCG અને ફાઇનાન્સ શેરોમાં દબાણ છે. હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, આઇટીસી અને શ્રીરામ ફાઇનાન્સના શેરો 2.53% થી 3.21% સુધી તૂટ્યા છે.





