Test Cricket : ક્રિકેટના મેદાન પર અત્યાર સુધીમાં અનેક અદભૂત રેકોર્ડ્સ નોંધાયા છે, પરંતુ કેટલાક એવા હોય છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવે છે. આવો જ એક અકલ્પનીય રેકોર્ડ વર્ષ 2006 માં શ્રીલંકાના બે મહાન બેટર્સ માહેલા જયવર્ધને અને કુમાર સાંગાકારાએ બનાવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની એ ટેસ્ટ મેચમાં આ બંને ખેલાડીઓએ રનનો એવો પહાડ ઊભો કર્યો હતો કે વિરોધી ટીમના બોલરો ત્રણ દિવસ સુધી માત્ર વિકેટની શોધમાં જ રહી ગયા હતા.
ઐતિહાસિક ભાગીદારી
જુલાઈ 2006 માં કોલંબોના મેદાન પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં માહેલા જયવર્ધને અને કુમાર સાંગાકારાએ ત્રીજી વિકેટ માટે 624 રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. આ ભાગીદારી દરમિયાન બંનેએ મળીને 78 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને આફ્રિકન બોલિંગ આક્રમણને વેરવિખેર કરી દીધું હતું.
બોલરોની લાચારી
આ મેચમાં સાઉથ આફ્રિકાના બોલરો માટે પરિસ્થિતિ અત્યંત કપરી હતી. ત્રણ દિવસ સુધી જયવર્ધને અને સાંગાકારાએ ક્રીઝ પર અડિંગો જમાવ્યો હતો. સાંગાકારાએ લગભગ 11.5 કલાક સુધી બેટિંગ કરીને 457 બોલમાં 287 રન બનાવ્યા હતા, જેમાં 35 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ, માહેલા જયવર્ધનેએ 9 કલાકથી વધુ સમય ક્રીઝ પર વિતાવી 572 બોલમાં 374 રન ફટકાર્યા હતા.
મેચનું પરિણામ
સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં શ્રીલંકાએ 5 વિકેટે 756 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 434 રન બનાવી શકી હતી, અને શ્રીલંકાએ આ મેચ એક ઈનિંગ અને 153 રનથી જીતી લીધી હતી. માહેલા જયવર્ધનેને તેની ઐતિહાસિક ઈનિંગ બદલ 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.





