Home Gujarat Sagardan Price Hike Pashupalako Protest Demand Gujarat

સાગરદાણના ભાવમાં ધરખમ વધારો : પશુપાલકોમાં રોષ; 10 દિવસનું અલ્ટીમેટમ, આંદોલનની ચીમકી

Mehsana
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 03:16 PM IST

રાજ્યમાં ખેતી પછીના સૌથી મોટા વ્યવસાય એવા પશુપાલન ક્ષેત્રે હાલ મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. દૂધાળા પશુઓ માટેના મુખ્ય આહાર ગણાતા સાગરદાણના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકાતા પશુપાલકોની ચિંતામાં મોટો વધારો થયો છે. એકતરફ ચોમાસા કે ઉનાળાની ઋતુમાં ઘાસચારાની અછત અને મોંઘવારીનો સામનો કરી રહેલા પશુપાલકો પર સાગરદાણના વધેલા ભાવે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જી છે.

ભાવ રૂ. 1500 થી વધીને રૂ. 1700 થયા: પશુપાલકોમાં ભારે રોષ

મળતી માહિતી મુજબ, સાગરદાણની ગુણીના ભાવમાં સીધો રૂ. 200નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રૂ. 1500માં મળતી સાગરદાણની ગુણીનો ભાવ હવે વધીને રૂ. 1700 થઈ ગયો છે. આ આર્થિક બોજ સામાન્ય અને મધ્યમ વર્ગના પશુપાલકો માટે અસહ્ય બની રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે, મોંઘવારીના આ યુગમાં પશુઓનો નિભાવ ખર્ચ સતત વધી રહ્યો છે અને તેની સામે દૂધના એટલા પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે આખો વ્યવસાય ખોટનો ધંધો બની રહ્યો છે.

ઘાસચારાની મોંઘવારી અને સાગરદાણનો બેવડો માર

હાલમાં પશુપાલકો બેવડી મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. બજારમાં સૂકો અને લીલો ઘાસચારો પહેલેથી જ મોંઘો મળી રહ્યો છે. સાગરદાણમાં થયેલો રૂ. 200નો વધારો પશુપાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી રહ્યો છે. આ આર્થિક બોજને કારણે પશુપાલકો માટે પશુઓને પૂરતું પોષણ આપવું પણ મુશ્કેલ બની ગયું છે, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી શકે છે.

એમ.ડી. ને લેખિત રજૂઆત: 10 દિવસનું અલ્ટીમેટમ

આ આકસ્મિક ભાવવધારા સામે પશુપાલકોએ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે. પશુપાલકોના મંડળ અને આગેવાનો દ્વારા ડેરીના એમ.ડી. (Managing Director) ને રૂબરૂ મળીને આ અંગે એક લેખિત રજૂઆત સપરત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પશુપાલકોની કફોડી સ્થિતિનું વર્ણન કરીને તાત્કાલિક ભાવ ઘટાડવાની માંગ કરવામાં આવી છે. પશુપાલકોએ તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે કે આ સમયગાળામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે.

ભાવ ઘટાડો નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી

પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ૧૦ દિવસમાં સાગરદાણના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે, તો તેઓ શાંત બેસશે નહીં. પશુપાલકો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે. આગામી દિવસોમાં દૂધનું કલેક્શન રોકવા અથવા રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા જેવા પગલાં લેવાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ડેરી પ્રશાસન અને સરકાર પશુપાલકોની આ ન્યાયિક માંગણી સમક્ષ નમીને ભાવમાં રાહત આપે છે કે પછી આગામી દિવસોમાં દૂધ સાગરના આ ક્ષેત્રમાં આંદોલનનો મોટો ભડકો જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now