રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક મહિનાથી સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા મોટો હુમલો કર્યો છે. હુમલામાં રહેણાંક ઈમારતો, શાળાઓ અને નાગરિક વિસ્તારોને ભારે નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સમગ્ર દેશને હાઈ એલર્ટ પર રહેવાની ચેતવણી આપી છે.
યુક્રેનનો દાવો છે કે રશિયા હવે પોતાની અત્યંત ખતરનાક ‘ઓરેશ્નિક’ હાઈપરસોનિક બેલિસ્ટિક મિસાઈલથી વધુ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ દાવા બાદ માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં ચિંતા વધી ગઈ છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો આ મિસાઈલનો વ્યાપક ઉપયોગ થાય તો યુરોપિયન દેશો માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.
કીવમાં મધરાતે ધડાકાઓથી હાહાકાર
અહેવાલો મુજબ શનિવાર અને રવિવારની મધરાતે લગભગ 1 વાગ્યાની આસપાસ કીવમાં એક પછી એક જોરદાર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. હુમલા પહેલા યુક્રેન એરફોર્સે પોતાના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર સંભવિત એર સ્ટ્રાઈક અંગે ચેતવણી જાહેર કરી હતી.
હુમલાના થોડા જ મિનિટોમાં શહેરના અનેક વિસ્તારોમાં આગ લાગી હતી અને લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કીવના મેયરે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને પણ સંપૂર્ણ એલર્ટ પર મૂકવામાં આવી છે. અનેક મિસાઇલ અને ડ્રોનને રસ્તામાં જ તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક હુમલા શહેર સુધી પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ કરનાર પહેલાં પણ 2 વખત કરી ચૂક્યો છે પ્રયાસ : પોતાને 'ભગવાન' અને 'બિન લાદેન' કહે છે
ઝેલેન્સ્કીની દેશવાસીઓને અપીલ
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દેશને સંબોધન કરતા જણાવ્યું કે રશિયા હવે માત્ર એક શહેર નહીં પરંતુ યુક્રેનના અનેક મોટા શહેરોને એકસાથે નિશાન બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે રશિયન સેનાની તૈયારી સામાન્ય હુમલા માટે નહીં પરંતુ બહુવિધ મિસાઇલ હુમલાઓ માટે છે.
ઝેલેન્સ્કીએ નાગરિકોને એર-રેડ એલર્ટને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે “રશિયન પાગલપનની કોઈ મર્યાદા નથી. સાયરન વાગે એટલે તરત જ સુરક્ષિત બંકરમાં જવું જોઈએ.” યુક્રેન સરકારે પણ લોકોને જરૂરી દવાઓ, પાણી અને ઇમરજન્સી સામગ્રી તૈયાર રાખવાની સલાહ આપી છે.
‘ઓરેશ્નિક’ મિસાઈલથી કેમ વધી રહી છે ચિંતા?
રશિયાની ‘ઓરેશ્નિક’ હાઈપરસોનિક મિસાઈલ હાલમાં વિશ્વભરના સુરક્ષા નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય બની છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત તેની અત્યંત ઝડપ માનવામાં આવે છે. હાઈપરસોનિક મિસાઈલ અવાજની ગતિ કરતાં અનેક ગણી ઝડપે ઉડે છે, જેના કારણે પરંપરાગત એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અહેવાલો અનુસાર આ મિસાઈલની રેન્જ અંદાજે 1,000 થી 5,500 કિલોમીટર સુધી હોઈ શકે છે. એટલે કે રશિયા પોતાના વિસ્તારમાંથી જ યુરોપના મોટા ભાગના શહેરોને નિશાન બનાવી શકે છે.
સુરક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મિસાઇલમાં MIRV ટેક્નોલોજીનો ઉપયોગ થઈ શકે છે. તેનો અર્થ એ છે કે એક જ મિસાઇલમાંથી અનેક અલગ-અલગ લક્ષ્યો પર હુમલો શક્ય બને છે. આ ટેક્નોલોજી આધુનિક યુદ્ધમાં અત્યંત ખતરનાક માનવામાં આવે છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન યુદ્ધ પૂર્ણ? : હોર્મુઝ જળમાર્ગ ખોલવા અને યુરેનિયમ સ્ટોક છોડવા ઈરાન તૈયાર હોવાનો દાવો
પરમાણુ ક્ષમતા અંગે પણ ચિંતા
‘ઓરેશ્નિક’ મિસાઇલને લઈને સૌથી મોટી ચિંતા તેની સંભવિત પરમાણુ ક્ષમતાને લઈને છે. નિષ્ણાતો માને છે કે આ મિસાઇલ પરમાણુ વોરહેડ વહન કરી શકે છે. જો આ દાવો સાચો સાબિત થાય તો તે વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે.
મિસાઈલની બીજી ખાસિયત એ છે કે તે ઉડાન દરમિયાન દિશા બદલી શકે છે. આ કારણે તેને ટ્રેક કરવી અને ઈન્ટરસેપ્ટ કરવી વધુ મુશ્કેલ બની જાય છે. રશિયાનો દાવો છે કે તેની ગતિ અને ભારે કાઈનેટિક એનર્જીના કારણે વિસ્ફોટક વિના પણ તે જમીન પર ભારે વિનાશ સર્જી શકે છે.
આ પણ વાંચો: આફ્રિકામાં ફેલાતા ઇબોલા સંકટ વચ્ચે ભારતે મોકલી તાત્કાલિક મેડિકલ મદદ : એસ. જયશંકરની જાહેરાત
જાન્યુઆરીમાં પણ સર્જી હતી ભારે તબાહી
અહેવાલો અનુસાર આ પહેલી વખત નથી જ્યારે ‘ઓરેશ્નિક’ મિસાઈલનું નામ ચર્ચામાં આવ્યું હોય. જાન્યુઆરી 2026માં પણ રશિયાએ યુક્રેનના પશ્ચિમ ભાગ અને સૈન્ય ઠેકાણાઓ પર આ મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. તે વખતે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને જર્મની સહિતના યુરોપિયન દેશોએ રશિયાની આ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો. પશ્ચિમી દેશોએ તેને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. હવે ફરી એકવાર આ મિસાઇલના સંભવિત ઉપયોગની માહિતી સામે આવતા યુરોપ અને અમેરિકા સતર્ક બન્યા છે. ઝેલેન્સ્કીએ પોતાના સહયોગી દેશોને રશિયા પર વધુ દબાણ લાવવાની અપીલ કરી છે.
આંતરરાષ્ટ્રીય દબાણ વધવાની શક્યતા
કીવ પર થયેલા હુમલા બાદ અનેક પશ્ચિમી દેશોએ રશિયાની ટીકા કરી છે. Mark Carneyએ કીવમાં નાગરિક વિસ્તારો પર થયેલા હુમલાની નિંદા કરતા કહ્યું કે રશિયાએ તરત જ આ ગેરકાયદેસર યુદ્ધ બંધ કરવું જોઈએ. વિશ્લેષકોનું માનવું છે કે જો રશિયા હાઇપરસોનિક મિસાઇલોના ઉપયોગમાં વધારો કરશે તો પશ્ચિમી દેશો યુક્રેનને વધુ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ અને સૈન્ય સહાય આપી શકે છે.





