Double Hat Trick : આજકાલ વિશ્વભરમાં યુવા ક્રિકેટ પ્રતિભાઓ પોતાના અદ્ભુત પ્રદર્શનથી લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. હાલમાં જ ભારતના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ પોતાના શાનદાર બેટિંગ પરફોર્મન્સથી ક્રિકેટ જગતમાં સેન્સેશન મચાવ્યું હતું. આ દરમિયાન હવે બોલિંગ લાઇન-અપમાં એક નવો સિતારો ચમક્યો છે, જેની ઉંમર માત્ર 9 વર્ષની છે. આ નાનકડા બોલરે મેદાન પર એક એવો જાદુ કર્યો કે સ્કોરબોર્ડ જોનારા પણ આંખો ચોળતા રહી ગયા. આ બાળકે મેદાન પર ડબલ હેટ્રિક લઈને સનસનાટી મચાવી દીધી છે. જોકે, આ ઐતિહાસિક રેકોર્ડ ભારતીય પિચો પર નહીં, પરંતુ ઈંગ્લેન્ડની ધરતી પર બન્યો છે.
કોણ છે આ 9 વર્ષનો જાદુઈ બોલર?
ક્રિકેટના મેદાન પર સામાન્ય રીતે મોટા અને અનુભવી ખેલાડીઓ પણ જે સિદ્ધિ મેળવવામાં નિષ્ફળ જતા હોય છે, તે આ 9 વર્ષના બાળકે કરી બતાવી છે. આ યુવા ખેલાડીનું નામ રોહન છે, જે ઈંગ્લેન્ડના કેમ્બ્રિજ વિસ્તારમાં રહે છે. રોહનની ઉંમર ભલે નાની હોય, પરંતુ તેની લાઇન અને લેન્થ કોઈ પ્રોફેશનલ ક્રિકેટર જેવી ધારદાર છે. રોહન ત્યાંની સ્થાનિક 'ગ્રેટ શેલ્ફોર્ડ ક્રિકેટ ક્લબ' (Great Shelford Cricket Club) તરફથી રમે છે અને તે આ ક્લબની અંડર-9 ટીમનો મુખ્ય હિસ્સો છે. આ અદ્ભુત પરફોર્મન્સ બાદ માત્ર રોહનના સાથી ખેલાડીઓ જ નહીં, પરંતુ તેના કોચ અને પરિવારના સભ્યો પણ ગર્વ અનુભવી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : ભારત સામે ઐતિહાસિક જીતના 24 કલાકમાં હેડ કોચનું રાજીનામું! : 2027 સુધીનો હતો કરાર, છતાં હેનરિક માલાને કેમ લીધો ટીમ છોડવાનો ચોંકાવનારો નિર્ણય?
મેચનો રોમાંચ અને અનોખો રેકોર્ડ
આ અદ્ભુત ઘટના ગ્રેટ શેલ્ફોર્ડ ક્રિકેટ ક્લબ અને હિસ્ટન ટીમ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી. હિસ્ટન ટીમના બેટ્સમેનો ક્રીઝ પર સેટ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રોહન બોલિંગ કરવા આવ્યો હતો. રોહને પોતાની આખી ઓવર દરમિયાન વિરોધી ટીમના બેટ્સમેનોને હલવાનો પણ મોકો આપ્યો ન હતો. તેણે એક જ ઓવરના સતત 6 બોલમાં 6 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. સૌથી મોટી વાત એ છે કે આ ઓવરમાં તેણે 0 રન આપ્યા અને 6 વિકેટ ઝડપી લીધી. આ જાદુઈ બોલિંગ સ્પેલના કારણે વિરોધી ટીમ સસ્તામાં સમેટાઈ ગઈ અને ગ્રેટ શેલ્ફોર્ડ ટીમે 26 રનથી એક શાનદાર અને યાદગાર વિજય મેળવ્યો હતો.
આ પણ ખાસ વાંચો : આવી હાર માટે ખાસ 'ટેલેન્ટ' જોઈએ! : આયર્લેન્ડ સામે ક્લીન સ્વીપ થતાં જ આઇસલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીર પર તીખો વાર
મેદાન પર ભવ્ય સેલિબ્રેશન અને પિતાને અનોખી ભેટ
જ્યારે રોહને ઓવરના છેલ્લા બોલ પર છઠ્ઠી વિકેટ લીધી, ત્યારે આખું મેદાન ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. અમ્પાયરથી લઈને મેદાન પર હાજર તમામ લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મીડિયા સાથે વાતચીત કરતાં રોહને જણાવ્યું કે, અંતિમ વિકેટ પડ્યા પછી મેદાન પર અદ્ભુત માહોલ હતો. તેના સાથી ખેલાડીઓ ખુશીથી બૂમો પાડતા મેદાન પર દોડી આવ્યા હતા અને તેને ઊંચકી લીધો હતો. રોહનને આ અસાધારણ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો અને યાદગાર તરીકે મેચ બોલ પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. રોહને વધુમાં ઉમેર્યું કે તે તેની સ્કૂલ અને ક્લબ બંને માટે નિયમિત ક્રિકેટ રમે છે. ખાસ વાત એ છે કે, આ મેચના દિવસે જ ફાધર્સ ડે હતો, જેથી રોહને આ ઐતિહાસિક જીત તેના પિતાને ભેટ તરીકે અર્પણ કરી હતી.





