Home Gujarat Rajkot Rajkot Water Testing Report 6 Samples Unfit Before Monsoon

રાજકોટમાં પાણીના ટેસ્ટિંગમાં 6 સેમ્પલ અનફિટ : ચોમાસા પહેલાં મનપા એલર્ટ

નેહલ શુક્લ
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 09:33 AM IST

રાજકોટ મહાનગરપાલિકાએ મે મહિનામાં શહેરમાં સપ્લાય કરવામાં આવતા પીવાના પાણીના ગુણવત્તા પરીક્ષણના આંકડા જાહેર કર્યા છે. આંકડા મુજબ ક્લોરિન અને કેમિકલ ટેસ્ટના તમામ સેમ્પલ યોગ્ય મળ્યા છે, પરંતુ બેક્ટેરિયા પરીક્ષણ દરમિયાન 230માંથી 6 પાણીના સેમ્પલ અનફિટ જાહેર થતાં ચિંતા ઉભી થઈ છે. જોકે મનપાનું કહેવું છે કે જ્યાં સમસ્યા જોવા મળી હતી ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીને હાલ સ્થિતિ સામાન્ય બનાવી દેવામાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા દર મહિને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે નિયમિત સેમ્પલિંગ કરવામાં આવે છે. મે મહિનામાં શહેરના ત્રણેય ઝોનમાંથી ક્લોરિન ચકાસણી માટે કુલ 8,214 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ પરીક્ષણમાં પાસ થયા હતા અને એકપણ સેમ્પલ અયોગ્ય જાહેર થયો નહોતો.

તે જ રીતે પાણીમાં રહેલા કેમિકલ તત્વોની ચકાસણી માટે કુલ 29 સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરીક્ષણમાં તમામ સેમ્પલ યોગ્ય હોવાનું સામે આવ્યું છે, જે શહેરના પાણી પુરવઠાની રાસાયણિક ગુણવત્તા સંતોષકારક હોવાનું દર્શાવે છે.

આ પણ વાંચો: SSG હોસ્પિટલમાં 5 દિવસથી લિફ્ટ છે બંધ : બીમારીનો બોજ ઓછો ન હતો ને હવે 'ધક્કે પે ધક્કા' જેવી સ્થિતિ

બેક્ટેરિયા ટેસ્ટમાં 6 સેમ્પલ અનફિટ

જોકે બેક્ટેરિયા પરીક્ષણ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમસ્યા સામે આવી હતી. મે મહિનામાં ત્રણેય ઝોનમાંથી કુલ 230 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા.

મનપાના આંકડા મુજબ વોર્ડ નંબર-7ના બે, વોર્ડ નંબર-8ના ત્રણ અને વોર્ડ નંબર-4નો એક સેમ્પલ બેક્ટેરિયાના વધારાના પ્રમાણને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં પાણીમાં બેક્ટેરિયાની હાજરી નિર્ધારિત ધોરણ કરતાં વધુ હોવાનું સામે આવ્યું હતું.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે અનફિટ જાહેર થયેલા વિસ્તારોમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા હતા અને જરૂરી કામગીરી બાદ હાલ પાણીની સ્થિતિ સામાન્ય બની ગઈ છે.

આ પણ વાંચો: સરકારી ભરતીમાં નવા વિવાદની એન્ટ્રી : એક પરિવારને બે અનામતનો લાભ?, યુવાનોના હક્ક સાથે ચેડાં થયાની શંકા

પાણી દૂષિત થવાનું કારણ શોધાશે

રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દર મહિને પાણીની ગુણવત્તા અંગે ક્લોરિન, બેક્ટેરિયા અને કેમિકલ ટેસ્ટિંગ કરાવે છે અને તેની વિગતો જાહેર પણ કરે છે.

તેમણે જણાવ્યું કે જે 6 સેમ્પલ અનફિટ જાહેર થયા છે તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે જોવા મળ્યું હતું. આ વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિ સુધારી દેવામાં આવી છે. જોકે પાણીમાં દૂષિતતા અથવા મિક્સિંગ કયા કારણોસર થયું તેની વિગતવાર તપાસ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

મેયરે જણાવ્યું કે રિપોર્ટ મળ્યા બાદ સમગ્ર મામલાનું વિશ્લેષણ કરવામાં આવશે અને જ્યાં જરૂરી હશે ત્યાં વધુ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: માત્ર 1000 રૂપિયાનાં ભાડા માટે ગયો એક જીવ? : સુરતમાં પરિવારના આંસુઓ સાથે આક્ષેપ

ચોમાસા પહેલાં મહત્વની બેઠક

ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી મનપા વધુ સતર્ક બની છે. સામાન્ય રીતે વરસાદી સિઝનમાં પાણીની લાઇનોમાં લીકેજ, ગટરનું પાણી ભળવું અથવા અન્ય કારણોસર દૂષિત પાણીની ફરિયાદો વધતી હોય છે.

મેયર નેહલ શુક્લાએ જણાવ્યું કે હાલ જે પ્રમાણમાં બેક્ટેરિયા મળી આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓ વધી શકે છે. આ મુદ્દે ચર્ચા કરવા અને આગોતરા તૈયારી માટે આજે મનપા કમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનને સીધી મળતી દૂષિત પાણીની ફરિયાદો પર પણ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અધિકારીઓને કડક દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now