રાજકોટ: રાજકોટના હીરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે ઉડાન ભરનારી એર ઇન્ડિયાની ફ્લાઈટ સાથે ટેકઓફના ગણતરીના સમયમાં જ બર્ડ હિટની ગંભીર ઘટના સામે આવી છે. હવામાં ઉડાન ભરી ચૂકેલા વિમાન સાથે એક પક્ષી જોરદાર રીતે અથડાતા એરક્રાફ્ટના પાંખના ભાગને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજી પાયલોટે તાત્કાલિક સૂઝબૂઝ દાખવી અને કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના ફ્લાઈટને સુરક્ષિત રીતે ફરી રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરાવી હતી. આ ફ્લાઈટમાં કુલ 124 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. અચાનક સર્જાયેલી ઘટનાને કારણે થોડા સમય માટે મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ પાયલોટના સમયસર લેવાયેલા નિર્ણય અને એરપોર્ટ સત્તાધીશોની ઝડપી કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હાલ વિમાનને ટેક્નિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હીથી ખાસ નિષ્ણાત ટીમ રાજકોટ પહોંચી છે.
ટેકઓફ બાદ જ સર્જાઈ બર્ડ હિટની ઘટના
મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાની ફ્લાઈટ સવારે દિલ્હીથી પોતાના નિર્ધારિત સમય મુજબ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ત્યારબાદ 124 મુસાફરોને લઈને ફ્લાઈટ ફરી દિલ્હી જવા માટે રવાના થઈ હતી. જોકે રનવે પરથી ટેકઓફ કર્યા બાદ થોડા જ સમયમાં એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. પક્ષીની ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનની પાંખના ભાગમાં મોટું નુકસાન થયું હતું. પાયલોટને વિમાનની ટેક્નિકલ સિસ્ટમ અને એન્જિન અંગે શંકા જતાં તેમણે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક સાધ્યો હતો અને ઈમર્જન્સી લેન્ડિંગની મંજૂરી મેળવી હતી.
પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં બર્ડ હિટને ગંભીર જોખમ તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન પક્ષીઓ સાથે અથડામણ એન્જિન, પાંખો અથવા અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમોને નુકસાન પહોંચાડી શકે છે. રાજકોટ એરપોર્ટ પર બનેલી આ ઘટનામાં પાયલોટે કોઈ જોખમ લીધા વિના વિમાનને સુરક્ષિત રીતે પરત ઉતારવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે તમામ 124 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. મુસાફરો અને તેમના પરિવારજનો માટે આ મોટી રાહતના સમાચાર બન્યા હતા.
વિમાનની પાંખને નુકસાન, દિલ્હીથી બોલાવાઈ ખાસ ટીમ
પ્રાથમિક તપાસ દરમિયાન વિમાનના પાંખ અને એન્જિન ફેન બ્લેડ નજીકના ભાગમાં નુકસાન થયાની વિગતો સામે આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ દિલ્હીથી પોતાની વિશેષ ટેક્નિકલ અને એન્જિનિયરિંગ ટીમને રાજકોટ મોકલી છે. આ ટીમ એરક્રાફ્ટના મેટલ સ્ટ્રક્ચર, આંતરિક વાયરિંગ, એન્જિન અને અન્ય ટેક્નિકલ સિસ્ટમનું વિસ્તૃત નિરીક્ષણ કરશે. કોઈ છૂપું નુકસાન તો નથી ને તેની પણ ચકાસણી કરવામાં આવશે.
ત્રણ દિવસ સુધી રાજકોટમાં જ રહેશે વિમાન
ટેક્નિકલ તપાસ અને સમારકામની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિમાનને રાજકોટ એરપોર્ટ પર જ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. એરલાઇન સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી એરક્રાફ્ટ એરપોર્ટના હેંગર વિસ્તારમાં જ રહેશે. જરૂરી પાર્ટ્સ બદલવા, નુકસાનગ્રસ્ત ભાગોની મરામત કરવા અને તમામ સલામતી ધોરણોનું પાલન કર્યા બાદ જ વિમાનને ફરી ઉડાન માટે તૈયાર કરવામાં આવશે.
DGCAની મંજૂરી બાદ જ ફરી ઉડાન
એર ઇન્ડિયાની ટેક્નિકલ ટીમ દ્વારા તમામ સમારકામ પૂર્ણ થયા બાદ વિમાનનું ટ્રાયલ રન કરવામાં આવશે. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ હાથ ધરવામાં આવશે.
સલામતીના તમામ માપદંડો સંતોષકારક જણાશે અને વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પ્રમાણિત થશે ત્યારબાદ જ તેને ફરી કમર્શિયલ ફ્લાઈટ માટે મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના આકાશમાં આજે જોવા મળશે ખાસ નજારો: શુક્ર અને ગુરુ એકબીજાની નજીક દેખાશે, ક્યારે અને કેવી રીતે જોવું?
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા
ફ્લાઈટ રદ થતાં મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે એર ઇન્ડિયા દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમને તાત્કાલિક દિલ્હી પહોંચવું જરૂરી હતું તેમને ઈન્ડિગોની ફ્લાઈટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોને આગામી ફ્લાઈટમાં સીટ ફાળવવામાં આવી હતી, જ્યારે પોતાની મુસાફરી રદ કરવા ઇચ્છુક મુસાફરો માટે રિફંડની પ્રક્રિયા પણ એરપોર્ટ પર જ શરૂ કરવામાં આવી હતી. જોકે કનેક્ટિંગ ફ્લાઈટ ધરાવતા કેટલાક મુસાફરોને સમયપત્રક ખોરવાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એરપોર્ટ પર બર્ડ હિટ રોકવા નવા પગલાં
ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે આસપાસ પક્ષીઓની અવરજવર ઘટાડવા માટે વધુ કડક પગલાં લેવાની ચર્ચા શરૂ થઈ છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે 'બર્ડ સ્કેરર' સિસ્ટમ, ખાસ સાઉન્ડ ગન અને અન્ય આધુનિક તકનીકોનો ઉપયોગ વધારવામાં આવી શકે છે. રાજકોટ એરપોર્ટ પર બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, હવાઈ સુરક્ષામાં પાયલોટની સતર્કતા અને સમયસર લેવાયેલા નિર્ણયો કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.





