કેન્દ્ર સરકાર પરંપરાગત કારીગરો અને હસ્તશિલ્પીઓની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવે છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Yojana) છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ગેરંટી વગર 3 લાખ રૂપિયા સુધીની લોન, વ્યાજ પર સબસિડી, આધુનિક કૌશલ્ય તાલીમ અને નવા સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવા કારીગરો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ પોતાના હાથ અને પરંપરાગત સાધનો વડે રોજગાર મેળવે છે અને અસંગઠિત ક્ષેત્રમાં સ્વરોજગાર સાથે જોડાયેલા છે.
બે હપ્તામાં મળે છે 3 લાખ રૂપિયા સુધીની લોન
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીને કુલ 3 લાખ રૂપિયા સુધીની ગેરંટીમુક્ત (Collateral Free) લોન આપવામાં આવે છે. આ લોન બે તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જેની ચૂકવણી માટે 18 મહિનાનો સમય આપવામાં આવે છે. જો લાભાર્થી પ્રથમ લોનની સમયસર ચુકવણી કરે, લોન એકાઉન્ટ નિયમિત (સ્ટાન્ડર્ડ) રહે અને વ્યવસાયમાં ડિજિટલ લેવડદેવડનો ઉપયોગ કરે, તો બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની વધારાની લોન આપવામાં આવે છે. બીજી લોનની ચૂકવણી માટે 30 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: LPG ગ્રાહકો માટે મોટા સમાચાર! : બજારમાં આવી શકે છે 10 કિલોનું નવું ગેસ સિલિન્ડર, જાણો કોને થશે સૌથી વધુ ફાયદો
વ્યાજ પર સરકાર આપે છે સબસિડી
આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે લાભાર્થી પાસેથી માત્ર 5 ટકા વ્યાજ દર વસૂલવામાં આવે છે. બાકીના વ્યાજ પર કેન્દ્ર સરકાર સબસિડી આપે છે, જેના કારણે લોનનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે. ઉપરાંત, આ લોન મેળવવા માટે કોઈપણ પ્રકારની મિલકત ગીરવે રાખવાની કે અન્ય ગેરંટી આપવાની જરૂર પડતી નથી.
કોને મળશે યોજનાનો લાભ?
આ યોજના માત્ર એવા પરંપરાગત કારીગરો અને હસ્તશિલ્પીઓ માટે છે, જે સરકાર દ્વારા નિર્ધારિત 18 પરંપરાગત વ્યવસાયોમાંથી કોઈ એક વ્યવસાય સાથે જોડાયેલા હોય અને પોતાના હાથ તથા સાધનો વડે કામ કરતા હોય. અરજદારની ઉંમર નોંધણીના દિવસે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ઉપરાંત, અરજદારે છેલ્લા 5 વર્ષ દરમિયાન સ્વરોજગાર અથવા વ્યવસાય વિસ્તરણ માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સમાન લોન આધારિત યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ. યોજનાનો લાભ એક પરિવારના માત્ર એક જ સભ્યને મળશે. અહીં પરિવારનો અર્થ પતિ, પત્ની અને અવિવાહિત સંતાનો થાય છે. સાથે જ અરજદાર અથવા તેના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોવો જોઈએ નહીં.
અરજી કેવી રીતે કરવી?
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા કરવામાં આવે છે. CSC સંચાલક લાભાર્થીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે અને આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી દ્વારા ઓળખની પુષ્ટિ કરવામાં આવે છે.
તાલીમ દરમિયાન રોજ 500 રૂપિયાનું ભથ્થું
યોજનાનો લાભ માત્ર લોન સુધી મર્યાદિત નથી. સરકાર લાભાર્થીઓને આધુનિક ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ માટે વિશેષ તાલીમ પણ આપે છે. તાલીમ દરમિયાન લાભાર્થીને દરરોજ 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ (ભથ્થું) આપવામાં આવે છે, જેથી તાલીમ લેતી વખતે આવકમાં ઘટાડો ન થાય. આ ઉપરાંત, આધુનિક સાધનો ખરીદવા માટે સરકાર 15,000 રૂપિયાનું ટૂલકિટ ઇન્સેન્ટિવ ઈ-વાઉચરના માધ્યમથી આપે છે. આ સહાયથી કારીગરો પોતાના વ્યવસાયની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકે છે.
આ પણ વાંચો: શેરબજારમાં મોટો ભૂકંપ! : સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો, જાણો કયા શેરોએ આજે બજારને ડૂબાડ્યું
યોજનાનો મુખ્ય હેતુ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાનો, આધુનિક તાલીમ દ્વારા કૌશલ્ય વધારવાનો અને ડિજિટલ અર્થતંત્ર સાથે જોડવાનો છે. સરકારનું માનવું છે કે આ યોજના પરંપરાગત વ્યવસાયોને નવી ઓળખ આપશે અને સ્વરોજગારને વધુ મજબૂત બનાવશે.
નોંધ: યોજનાની પાત્રતા, અરજી પ્રક્રિયા અને અન્ય શરતોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. અરજી કરતા પહેલાં સત્તાવાર માર્ગદર્શિકા તપાસવી જરૂરી છે.





