ભારત સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS)ને વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ગુજરાતમાં દેશનો પ્રથમ CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) આધારિત ડિજિટલ ફૂડ કૂપન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ મહત્વાકાંક્ષી યોજનાનું ઉદ્ઘાટન 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવી વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મેળવવા માટે ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે. ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ દ્વારા અનાજનું વિતરણ વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સરળ બનશે તેવી સરકારને આશા છે.
શું છે CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપન યોજના?
CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરાયેલ ડિજિટલ રૂપિયા છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટ આપવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા નિર્ધારિત ફૂડ કૂપન ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
લાભાર્થી જ્યારે રેશન દુકાને અનાજ લેવા જાય છે ત્યારે તે પોતાના મોબાઇલમાં રહેલા ડિજિટલ વોલેટ દ્વારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને અનાજ મેળવી શકે છે. સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હોવાથી વિતરણમાં માનવીય હસ્તક્ષેપ ઘટશે અને ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Rajkot વાસીઓ આનંદો! : ટ્રાફિક સમસ્યામાં મળશે મોટી રાહત; હર્ષ સંઘવીએ કર્યું સાંઢિયા પુલનું લોકાર્પણ
પારદર્શિતા અને ભ્રષ્ટાચાર રોકવામાં મળશે મદદ
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમનો મુખ્ય હેતુ જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા વધારવાનો છે. ડિજિટલ ટ્રેકિંગના કારણે કોણે કેટલું અનાજ મેળવ્યું તેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાથી બોગસ લાભાર્થીઓ, અનાજની કાળાબજારી અને વિતરણમાં થતી ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે. સાથે જ લાભાર્થીને તેનો હકનો સંપૂર્ણ જથ્થો મળી રહે તે પણ સુનિશ્ચિત કરી શકાશે.
આ પણ વાંચો: ઈતિહાસ રચાયો! : NDAની 14 દીકરીઓ બની આર્મી અને એરફોર્સ ઓફિસર, દેશને મળ્યા 746 નવા સૈન્ય અધિકારીઓ
નર્મદા જિલ્લામાં શરૂ થઈ જાગૃતિ અભિયાન
નર્મદા જિલ્લામાં પણ આ યોજનાના અમલીકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને CBDC એપ્લિકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવાની અપીલ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ લાભાર્થીએ સૌથી પહેલા ડિજિટલ વોલેટ બનાવવું પડશે. ત્યારબાદ તે વોલેટ મારફતે જ રેશન સંબંધિત વ્યવહારો કરી શકશે. આ પ્રક્રિયા સરળ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને તેનો લાભ મળી શકે છે.
આ પણ વાંચો: વડોદરાનાં ફાયરિંગ કેસમાં 24 કલાકમાં પોલીસને મળી સફળતા : 4 હિસ્ટ્રીશીટર ઝડપાયા, પિસ્તોલ-તલવારોનો જથ્થો જપ્ત
હજુ મર્યાદિત સંખ્યામાં લોકોએ ડાઉનલોડ કરી એપ
જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી માત્ર મર્યાદિત સંખ્યામાં લાભાર્થીઓએ CBDC એપ ડાઉનલોડ કરી છે. જોકે વિભાગ દ્વારા સતત જાગૃતિ કાર્યક્રમો અને માર્ગદર્શન કેમ્પો યોજીને વધુમાં વધુ લોકોને આ ડિજિટલ વ્યવસ્થામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દરેક લાભાર્થી મોબાઇલમાં એપ ડાઉનલોડ કરીને વોલેટ એક્ટિવ કરે તો ભવિષ્યમાં રેશન વિતરણની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકશે.
ડિજિટલ ગુજરાત તરફ વધુ એક પગલું
ગુજરાત પહેલાથી જ વિવિધ ડિજિટલ ગવર્નન્સ પહેલોમાં અગ્રેસર રહ્યું છે. હવે ડિજિટલ રૂપિયા આધારિત ફૂડ કૂપન યોજના શરૂ થતાં રાજ્ય જાહેર વિતરણ પ્રણાલીમાં પણ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. સરકારને આશા છે કે પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આ મોડેલને રાજ્યના અન્ય જિલ્લાઓ અને ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તૃત કરી શકાય છે.






