રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના (ABPMJAY-MA યોજના) અંતર્ગત વિધાનસભા ગૃહમાં આયુષ્માન ભારત કાર્ડની વિગતો આપતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિએ રાજ્યમાં 2.73 કરોડ આયુષ્માન કાર્ડ એક્ટિવ છે.
છેલ્લાં બે વર્ષમાં નવાં આયુષ્માન કાર્ડ તેમજ મંજૂર દાવાની વિગતો આપતાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2024-25 દરમિયાન 25.24 લાખ નવાં કાર્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. જ્યારે 13.40 લાખ દાવાઓ માટે કુલ રૂ. 3666.53 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી.
આ જ પ્રકારે, વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં નવાં 31.78 લાખ કાર્ડ મંજૂર કરવામાં આવ્યાં છે, જ્યારે 14.15 લાખ દાવાઓ સામે કુલ રૂ. 3568.96 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.
પાનસેરિયાએ સ્પષ્ટ જણાવ્યું કે આ યોજનાના નિયમો કે SOP નું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં કુલ 49 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાંથી 29 હોસ્પિટલનું સસ્પેન્શન હાલ પણ અમલમાં છે.
જામનગરની જેસીસીસી હોસ્પિટલના કિસ્સામાં રૂ. 8.69 લાખની પેનલ્ટી વસૂલવા ઉપરાંત જવાબદાર તબીબને યોજનામાંથી સસ્પેન્ડ કરી મેડિકલ કાઉન્સિલમાં પણ જાણ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.




















